વડોદરા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પોલીસ કર્મીના બંધ ઘરને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના ઘરેણા મળી રૂપિયા ૨.૯૨ લાખની મત્તા ચોરી નાસી છૂટતાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અને વડોદરા પોલીસ વિભાગમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પરમાર તા.૪થી ફેબ્રુઆરીના રોજ મકાનને લોક કરી પરિવાર સાથે સાવલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. પડોશીએ તેમના ઘરનું તાળું તૂટેલું હોવાનું જાણ કરી હતી. જેથી પરિવાર લગ્ન પ્રસંગ છોડી વડોદરા દોડી આવ્યો હતો. પરિવારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જાેતાં ચોકી ઉઠ્યો હતો. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો તિજાેરીમાંથી રૂપિયા ૧.૨૫ લાખની કિંમતના ૩ સોનાના સેટ, રૂપિયા ૨૫ હજાર કિંમતની સોનાની લકી, ૧૫ સોનાની વીંટીઓ, ૪ સોનાના પેન્ડલ, ચાંદીના પાયલ, ૫ કમરના ઝુડા, ૫ ચાંદીની લકી, ૧૧ ચાંદીના સિક્કા, ૩ ચાંદીના કડા અને ચાંદીની રાખડી મળી કુલ રૂપિયા ૨.૯૨ લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. તેમના પુત્ર સંજય પરમારની ફરિયાદના આધારે માજલપુર પોલીસે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાનના ઘરમાં થયેલી ચોરીના બનાવે ચકચાર જગાવી મૂકી છે.છેલ્લા કેટલાક સમયથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ પોલીસ તંત્રની ઉઘ હરામ કરી દીધી છે, ત્યારે તસ્કરોએ પોલીસ કર્મીના મકાનને પણ બાકાત રાખ્યું નથી. પોલીસ જવાનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૨.૯૨ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
