વડોદરા
ક્રેડાઇ પ્રમુખ, યુનિ.ના સિન્ડિકેટ સભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય યોગેશ પટેલના જૂથના મયંક પટેલે સોશિયલ મીડિયા પર વડોદરાનો વિકાસ નહીં થવા પાછળ અધિકારીઓને જવાબદાર ગણાવતી પોસ્ટ મૂકી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ દ્વારા કાયદાના ખોટાં અર્થઘટન કરવામાં આવી રહ્યાં છે. શહેર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યુ છે. છેલ્લાં ત્રણ વર્ષથી ક્રેડાઇ દ્વારા તમામ સ્તર પર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નિકાલ લાવવામાં આવતો નથી. વર્ષ ૨૦૧૧થી શહેરની ટીપીઓ પેન્ડિંગ પડી છે. વુડાની પણ એ જ હાલત છે. ડેવલપર ૪૦ ટકા જમીન ઓથોરિટીને સરન્ડર કરવા માટે જાય છે ત્યારે પણ ૬ મહિના જેટલો સમય પસાર કરવામાં આવે છે. એટલું જ નહીં રજા ચિઠ્ઠી ઓનલાઇન મેળવી લીધા બાદ વિકાસ પરવાનગીમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ માટે પણ ૬ મહિના કાઢવામાં આવે છે. આ અંગે તમામ ધારાસભ્યોએ અને રાજકીય નેતાઓએ ડેવલોપર્સની રજૂઆતને વાચા આપવા માટે અધિકારીઓને જણાવ્યું છે, તેમ છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. અધિકારીઓ કાયદાના ખોટા અર્થઘટન કરી વડોદરાના વિકાસ પર નાગની જેમ કુંડળી મારીને બેઠા છે, એટલે હવે વડોદરાની જનતાએ જાગવું પડશે. તાજેતરમાં જ વુડાના અધિકારીઓ દ્વારા વુડા વિસ્તારમાં મકાન બનાવવા માટેની પ્રક્રિયામાં કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ ધ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે ક્રેડાઈ પ્રમુખ દ્વારા પણ અધિકારીઓ સામે મોરચો ખોલવામાં આવતાં ખળભળાટ મચ્યો છે. મયંક પટેલે જણાવ્યું હતું કે અધિકારી રાજ બંધ કરવાની જરૂર છે. કોઇ રજુઆત કરવા જાય તો પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદની ધમકી અપાય છે. વડોદરાને પ્રયોગ શાળા બનાવી દીધી છે. અધિકારીઓએ તેમના મન મુજબ અર્થઘટનો કરી શહેરના વિકાસના શ્વાસને રૂંધી નાખ્યો છે. મારી શહેરી જનોને અપીલ છે કે તેઓ વડોદરા માટે આ આંદોલનમાં જાેડાય અને રોડ પર આવે.
