Gujarat

વડોદરામાંથી ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

વડોદરા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુ મલેક તથા તેની સાથે એક મધુમિતા ઉર્ફે અનામિકા નામની મહિલા, પાર્થ ઉર્ફે સરદાર મધ્ય પ્રદેશ પાસિંગની કારમાં મધ્ય પ્રદેશ તરફથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને હાલોલ રોડ થઇ વડોદરા આવી રહ્યા છે. જેથી પોલીસે ગોલ્ડન ટોલનાકા પાસે વૉચ ગોઠવી હતી. આ શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેનો પીછો કરી દરજીપુરા આરટીઓ રોડ પર અટકાવી હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન મળી આવ્યું હતું. તેમની પાસેથી ૮ લાખ ૧૦ હજાર ૪૦૦ની કિંમતનું ૮૧ ગ્રામ ૪૦ મિલિગ્રામ ડ્રગ્સ મળ્યું છે. આમ તેમની પાસેથી કાર અને ડ્રગ્સ મળી કુલ ૧૨ લાખ ૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોર હાઇવે પર આવેલ શીતલ હોટલ પાસે રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ નામના વ્યક્તિ પાસેથી આ જથ્થો ખરીદ્યો હતો. રસ્તામાં પોલીસને તેમના પર શંકા ન જાય અને ચેકિંગ ન થાય તે માટે તેમણે મુંબઇના થાણેમાં રહેતી મધુમિતા ઉર્ફે અનામિકાને સાથે રાખી હતી. જાે કે પોલીસે આ તમામને ઝડપી લઇ મેફેડ્રોન ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મહિલા સહિત ચાર સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરવામાં આવી છે. જ્યારે રતલામના લાલુ નામના ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ છેલ્લા ૬ મહિનાથી રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ખરીદતા હતા અને નાની-નાની પડીકીઓ બનાવી નશો કરતા બંધાણીઓને વેચતા હતા. આ મામલે ઝડપાયેલો વડોદરાનો તન્નુ ઉર્ફે તનવીર વડોદરા શહેરમાં ખંડણી તેમજ જમીન પચાવી પાડવાના ગુનાઓમાં તેમજ રાયોટિંગ, મારામારી અને હત્યાના પ્રયાસના ગુનાઓમાં સંડોવાયેલો છે તેમજ બિચ્છુ ગેંગનો સાગરીત છે.વડોદરા એસઓજી દ્વારા બિચ્છુ ગેંગના સાગરીત સહિત મુંબઇની એક મહિલા મળી કુલ ચાર લોકોને મધ્યપ્રદેશથી લવાયેલ ૮ લાખની કિંમતના ૮૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

4-accused-were-caught-with-8-lakh-MD-drugs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *