વડોદરા
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ તિરંગો વહેંચતા હતા. ત્યારે બે અજાણ્યા ઇસમોએ આવીને તિરંગો કેમ વહેચો છો? કહી વિદ્યાર્થી નેતા તથા તેના સાથીઓ પાસે રહેલો તિરંગો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો. તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ પછી અજાણ્યા શખ્શે વિદ્યાર્થી નેતા પર હથિયાર તાકતાં વિદ્યાર્થી નેતા ગભરાઈને જતાં રહ્યા હતા. નાસભાગ થતાં હથિયાર તાકનાર પણ નાસી છુટ્યો હતો. વિદ્યાર્થી નેતાની ફરિયાદના આધારે પોલીસે કબીરખાન પઠાણને પકડ્યો હતો. જેની પાસેથી ડ્રગ્સની પડીકી અને બંદુક વાળું ઇલેક્ટ્રિક લાઇટર જપ્ત કર્યું હતું. પ્રથમ વર્ષ એમકોમના પંકજ જયસ્વાલ (ઉ.વ.૨૧, ફતેપુરા) ગ્રુપના છાત્રો જયેશ પ્રજાપતિ, વિવેક શ્રીમાળી, ધ્રુવ ડાભી, ધ્રુવ તડવી, ધ્રુવ શાહ અને પ્રથમ કંસારા અલંકાર ટાવરમાં તિરંગો આપતા હતા. ત્યારે ભુરા એકટિવા પર આવેલા યુવાને કહ્યું હતું કે, કેમ તિરંગાનું વિતરણ કરો છો? તિરંગાનો મતલબ જાણો છો? પંકજ જયસ્વાલ પાસેથી તિરંગો લઇ લેતાં ઝપાઝપી થઇ હતી. પંકજના સાથીઓ સમજાવવા જતાં યુવકે કમરમાં હાથ નાંખી સ્ટીલનું હથિયાર જેવું દેખાતું લાઈટર કાઢયું હતું અને પંકજના જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સયાજીગંજમાં બનેલી ઘટનાને પગલે શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પણ આરોપી કબીર ખાન પઠાણ હાથ લાગ્યો ન હતો.પોલીસે કબીરના પિતા અને ભાઈની પુછપરછ કરી પણ કબીરનો પતો લાગ્યો ન હતો. પીસીબીએ નવાયાર્ડમાં રહેતા કોલ સેન્ટરમાં કામ કરતાં એમબીએ કબીરખાનને ઝડપ્યો હતો. તેની પાસેથી લાઈટર મળી આવ્યું હતું. તિરંગાના વિતરણ બાબતે ઘાતક હથિયાર નીકળતા હોબાળો મચ્યો હતો. શહેર પોલીસ તંત્રની એસઓજી, ડીસીબી અને પીસીબીની ટીમો કામે લાગી હતી. ટીમોએ શંકાસ્પદ દસ્તાવેજાે જપ્ત કરાયા હોવાનું જાણવા મળે છે. મેં પોલીસને બંદૂક હતી એવું કહ્યું ત્યારે પોલીસે મને કહ્યું કે ‘પિસ્તોલ હતી, રીવોલ્વર હતી કે ગન હતી? એટલે મેં કહ્યું કે મને ખબર નથી પણ બંદૂક હતી તે કન્ફર્મ છે. પોલીસે કહ્યું કે આવું તો અમારાથી ના લખાય, સ્ટીલનું હથિયાર લખીએ છે. પણ સાચું કહું તેણે બંદુક જ કાઢી હતી. બંદુક જાેઈને હું ગભરાઈ ગયો હતો.
