વડોદરા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જાેકે, ગત ૧૮ જૂનના રોજ વડાપ્રધાન મોદીએ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે જનસભાને સંબોધિત કરી ત્યારે ચૈતન્ય દેસાઇ અને તેમના પરિવાર સાથે એક અંગત મુલાકાત કરી હતી. મધ્ય ગુજરાતમાં આગામી ૫ ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વડોદરાની અકોટા બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જાે કે ચૈતન્ય દેસાઇના પરિવાર સાથે વડાપ્રધાન મોદીનો સીધો સંપર્ક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે આવ્યા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્ટેજ પાછળ ચૈતન્ય દેસાઇ અને તેમની માતા નીલા દેસાઇ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ૩ મિનિટ સુધી ચાલી હતી. ત્યાર બાદ ચૈતન્ય દેસાઇએ એક સવાલના જવાબમાં આ મુલાકાત ફળીભૂત થઇ હોઇ શકે તેમ જણાવ્યું હતું. લેપ્રસી મેદાન ખાતે ૧૮ જૂનના રોજ યોજાયેલી એ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં કોઠી કચેરી નજીક આવેલ સંઘના જૂના કાર્યાલય અને સંઘ સાથે જાેડાયેલા અનેક લોકો મને અહીં સભામાં જાેવા મળ્યા તેમ સંબોધનમાં કહ્યું હતું. ચૈતન્ય દેસાઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ટિકિટ પર બે વખત કોર્પોરેટર રહી ચુક્યા છે. એટલું જ નહીં પણ તેમના પિતા મકરંદ દેસાઇ ભાજપના પીઢ નેતા હતા અને વડોદરા શહેર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. મકરંદ દેસાઇ ગુજરાત સરકારમાં ૧૯૭૫થી ૧૯૮૦ના દાયકમાં કેબિનેટ મંત્રી રહી રહ્યા હતા. તેઓ ૧૯૭૫માં વડોદરા સીટી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરા સાથે જૂનો નાતો રહ્યો છે. તેઓ આરએસએસમાં પ્રચારક હતા ત્યારે ઘણો સમય વડોદરામાં વીતાવ્યો છે. જેથી મકરંદ દેસાઇના નિધન બાદ પણ આ પરિવાર સાથે તેમનો નાતો રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જ્યારે વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન પદે શપથ લીધા ત્યારે ચૈતન્ય દેસાઇના માતા નીલા દેસાઇને આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચૈતન્ય દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા તાજેતરમાં યોજાઇ હતી. તેમાં પણ તેઓ હાજર રહ્યા હતા અને રાત્રે તેમનો નંબર પોતાની રજૂઆત માટે માટે આવ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં અકોટા બેઠક પર ભાજપની ટિકિટ પર સીમાબેન મોહિલે વિજેતા બન્યા હતા. આ વખતે તેઓની ટિકિટ કાપી ભાજપ સાથે વર્ષથી નાતો ધરાવતા સ્વ. મકરંદ દેસાઇના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરભ પટેલ જીત્યા હતા અને તેમને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા હતા. અકોટા બેઠક પર બહારથી આવેલા સૌરભ પટેલને પણ જીત હાંસલ થઇ હતી. એટલે કે આ બેઠક ભાજપનો ગઢ રહી છે અને ભાજપના કમિટેડ મતદારો પાર્ટીના સિમ્બોલ પર પસંદ થયેલા ઉમેદવારને મતદાન કરે છે.
