વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં લાલચ આપીને કંપનીમાં મંથલી અને ફિક્સ ડિપોઝિટના નામે ૩૭ લાખ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અતુલકુમાર સિંગ રાજપૂત અને સુશીલ શ્રીવાસ્તવે વડોદરાના માંજલુપર વિસ્તારમાં યુવાનિધી પ્રાઇવેટ લિમિટેડ ‘નઇ સોચ નઇ રાહ’ નામે કંપની શરૂ કરી હતી. વડોદરા શહેરના જ્યુપીટર ચાર રસ્તા પાસે શરૂ કરેલી આ કંપનીએ શરૂઆતમાં ગ્રાહકોને સારૂ રિટર્ન આપ્યું હતું અને બાદમાં ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતાં. યુવાનિધી પ્રાઇવેટ લિમિટેડ ‘નઇ સોચ નઇ રાહ’ સામે આ પહેલા સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી અને અમરેલીમાં પણ લોકો પાસેથી ડિપોઝિટના નામે કરોડો રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. જેથી હવે આ ઠગો સામે વડોદરામાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી મહેન્દ્રભાઇ મહાલેએ જણાવ્યું હતું કે, તેઓએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલો છે અને વર્ષ ૨૦૧૮માં કોઇ સારી નોકરી ન હોવાથી યુવાનિધિ પ્રાઇવેટ લિમિટેડ ‘નઇ સોચ નઇ રાહ’માં જાડાયા હતાં. તેમને એજન્ટ તરીકે ગ્રાહકો લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું. સાથે જ નવા એજન્ટ બનાવવા કહેવામાં આવતું હતું. કંપનીના ડાયરેક્ટર અતુલ રાજપૂત અને કંપનીના એમ.ડી. સુશીલ શ્રીવાસ્તવે શરૂઆતમાં ગ્રાહકોને રિટર્ન આપ્યું હતું. પરંતુ બાદમાં રૂપિયા પરત કરવાનું બંધ કરી લીધું હતું. કંપનીમાં લોકોને મંથલી અને એકથી પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ધનરાજ દેશમુખે ૨ લાખ ૨૬ હજાર, શીલાબેન દેશમુખે ૨ લાખ ૨૫ હજાર, મહેન્દ્રભાઇ મહાલેએ ૨ લાખ ૫૫ હજાર, વંદનાહબેન મહાલેએ ૯૩ હજાર, મુકેશભાઇ માળીએ એક લાખ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું. આમ ૧૦ હજારથી લઇને અઢી લાખ સુધીનું રોકાણ કરનારા ૯૧ ગ્રાહકોએ ૩૭ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.