વડોદરા
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા ૬૭ મીટરના ફ્લેગ માસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા છેલ્લા લગભગ ત્રણ વર્ષથી તિરંગો ફાટી જવાના કારણે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવ્યો નથી. ત્યારે આઝાદીના ૭૫માં વર્ષની સમગ્ર દેશમાં હર ઘર તિરંગા..ઘર ઘર તિરંગા..ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આ વખતે તિરંગો ફરકાવે તેવી શહેરીજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કરાયું હતું. જેની પાછળ ૫૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે ધ્વજ વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા તિરંગો ઉતારી લેવામાં આવે છે. પરંતુ, જાણકારોનું કહેવું છે કે, જાે પોલની હાઇટ ઓછી કરી દેવામાં આવે તો કાયમી ધોરણે દેશની આન સમો તિરંગો લહેરાતો રહે. તિરંગો ફરકાવવાની જવાબદારી સંભાળનાર ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા ખાતે રાજ્યનો સૌથી ઊંચો ધ્વજ ફરકતો રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ઊંચાઇના કારણે ધ્વજ ફાટી જતો હોવાથી આ ધ્વજ વર્ષમાં બે વખત ૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના ફરકાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તા. ૧૫ ઓગષ્ટે-૦૨૨ના દિવસે આ તિરંગો ફરકાવવામાં આવશે. કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, તિરંગો આપણા દેશનું ગૌરવ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સમા ખાતે ઝૂંપડાવાસીઓને દૂર કરીને તે જગ્યા ઉપર ગુજરાતનો સૌથી ઉંચો તિરંગો ફરકાવવા માટે રૂપિયા ૫૨ લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ, કોર્પોરેશન દ્વારા કોઇ પણ જાતના અભ્યાસ વગર ગુજરાતનો સૌથી ઉંચો ફ્લેગ ફરકાવવા માટે આયોજન કર્યું હતું. હજુ પણ કોર્પોરેશન પોતાની ભૂલ સુધારી શકે છે. તજજ્ઞોનો અભિપ્રાય લઇને તેમજ પોલની હાઇટ ઓછી કરી દેવામાં આવતો જે ઉદ્દેશ્યથી આ તિરંગો લહેરાવવા માટેનું આયોજન હતું. તે સાર્થક થશે. બાકી હાલના તબક્કે પ્રજાના નાણાંનો વ્યય જ થયો છે.આઝાદીના ૭૫માં વર્ષમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા…ઘર ઘર તિરંગા…સાથે અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે સૌ કોઇમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના સૌથી ઉંચા ૬૭ મીટરના ફ્લેગ માસ્ટ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા તિરંગો ફરકાવશે કે નહીં તે અંગે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વિપક્ષ પણ સવાલ ઉઠાવવાની સાથે એમ પણ જણાવ્યું છે કે, રૂપિયા ૫૨ લાખના ખર્ચે જે ફ્લેગ માસ્ટ બનાવવામાં આવ્યો છે. તે ફ્લેગ માસ્ટ ઉપર કાયમી ધોરણે કેવી રીતે તિરંગો ફરકતો રહે તે માટે તજજ્ઞોની સલાહ લેવી જાેઇએ. જાેકે, તા.૧૫ ઓગષ્ટના દિવસે ગુજરાતનો સૌથી ઉંચો ફ્લેગ ફરકાવવામાં આવશે.
