Gujarat

વડોદરામાં ૧૭૬ કરોડના ખર્ચે ઈન્ટેક વેલની કામગીરી પૂર્ણતાના આરે

વડોદરા
વડોદરા શહેરના પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની બૂમો ઊઠી હતી. પરિણામે વડોદરા કોર્પોરેશન દ્વારા પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં પાણીની ઘટ પૂરી કરવા સિંધરોટ મહીસાગર નદી ખાતેથી નવો પાણીનો સ્ત્રોત વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધરોટ ખાતે મહી નદીમાં ઇન્ટેક વેલ અને પાણીની લાઈન નાખવા માટે રૂપિયા ૧૭૬ કરોડ સુધીનો ખર્ચ કર્યો છે. આગામી એપ્રિલ માસના અંત સુધીમાં પ્રોજેક્ટ કાર્ય કરી નગરજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાનું કોર્પોરેશનનું આયોજન છે. આ પ્રોજેક્ટ દરમિયાન ખર્ચ અને કામની ગુણવત્તાને લઈને વિવાદ પણ થયો છે. જાેકે, આ પ્રોજેક્ટ થકી વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા દક્ષિણ અને પશ્ચિમ એટલે કે, માજલપુર સહિતના વિસ્તારોના નગરજનોને રાહત થશે તેવું કહી શકાય. છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આ પ્રોજેક્ટમાં અનેક બાધાઓ આવી હતી. પરંતુ, અંતે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવા જઇ રહ્યો છે. તરસાલીના ભાજપના કાઉન્સીલર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હતી. તેમ છતાં, વિસ્તારના લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી ભાજપાને કોર્પોરેશનમાં સત્તા આપી હતી. આવનાર દિવસોમાં વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઇ જશે. મહી નદીમાંથી પાણી લેવા માટે સિંધરોટ ખાતે ચાલી રહેલો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. એપ્રિલના અંત સુધીમાં કાર્યરત થઇ જશે. પરિણામે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *