જૂનાગઢ તા.૧૯ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પશુપાલન ખાતુ ગુજરાત અને જિલ્લા પંચાયત જૂનાગઢ અને સાવજ જિલ્લા સહકારી દૂધ સંઘના સંયુક્ત ઉપક્રમે અને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં જિલ્લામાં ૪૧૨૬ પશુઓને સારવાર આપવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પણ પશુપાલન થકી આત્મનિર્ભર બને તે માટે આત્મનિર્ભર મહિલા કિશાન પખવાડાની ઉજવણી અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા સાવજ સહકારી દૂધ સંઘના ચેરમેનશ્રી દિનેશભાઇ ખટારિયા દ્વારા વંથલી તાલુકાના બાલોટ ગામ ખાતેથી પશુ સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન જિલ્લામાં ૪૧૨૬ પશુઓને વદ્યત્વ નીવારણ, બીમાર પશુઓની સારવાર, ઓપરેશન અને કૃમિનાશક દવાઓ તેમજ વિસ્તરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન ગામમાં જે સૌથી વધારે દૂધ ભરાવનાર ૧ થી ૩ મહિલાઓને રોકડ રકમ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાઇ હતી તેમ જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામકશ્રી દિલીપ પાનેરાની યાદીમાં જણાવાયું છે.


