ભારે વરસાદના પગલે ખોરંભાયેલા વીજ પુરવઠાને ત્વરિત પૂર્વવત કરવા માટે પીજીવીસીએલ વર્તુળ કચેરી-જૂનાગઢ હેઠળની ૨૧ પેટા વિભાગની અને અન્ય ૨૧ લાઈન કોન્ટ્રાક્ટરની ટૂકડીઓ ઉપરાંત ૪ ટ્રાન્સફોર્મર રિપેરીંગની ટીમ સતત ખડેપગે કામ કરી રહી છે. જેના પરિણામે ૯૦ ફીડરોની ક્ષતિને ત્વરિત દૂર કરવામાં આવી હતી તેમજ ૩૮ ગામોનો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૭૪૩ ગ્રાહકોના પાવર સપ્લાય બંધ અંગેની ફરિયાદનું તે જ દિવસે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદના પગલે સર્જાયેલ વીજ ક્ષતીઓ દૂર કરવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્માએ પણ પહોંચ્યા હતા. તેમણે મેંદરડા, તાલાળા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અધિકારી કર્મચારીને જરૂરી માર્ગદર્શનની સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ ચાર વિભાગીય કચેરીઓ અને ૨૧ પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના સાત તાલુકાઓ અને ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે.
વીજ વિતરણની કામગીરી માટે આશરે ૧૬૪૪૦ કિલોમીટરમાં ભારે દબાણવાળી, ૧૧૫૬૦ કિલોમીટરમાં હળવા દબાણવાળી વીજલાઈન આવેલી છે. આમ, ૮૫૧૫૩ ટ્રાન્સફોર્મરની મારફત ૪૬૪ ગામોમાં આશરે ૫.૪૦ લાખ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
