Gujarat

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દર્દીની સોનાની બંગડી કર્મચારીએ લીધાની ફરિયાદ

વલસાડ
ઉદવાડા ખાતે રહેતા એક વૃદ્ધાને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં પ્રથમ પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દીને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હોસ્પિટલના જ કોઈ સ્ટાફ દ્વારા દર્દીના હાથમાંથી એક સોનાની બંગડી ચોરાઈ હોવાના આક્ષેપો લગાવવા આવ્યા છે. બનાવ અંગે હોસ્પિટલમાં પરિવારના સભ્યોએ હંગામો મચાવતા તાત્કાલિક પોલીસને જાણ કરવા આવી હતી. ઘટના અંગે વૃદ્ધાની દીકરીએ સિટી પોલીસ મથકે એક અરજી કરી છે. વલસાડ સિટી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. પારડીના ઉદવાડાના ઝંડા ચોક ખાતે રહેતા ૮૫ વર્ષીય પાર્વતીબેન ભુલાભાઈ મિસ્ત્રી ઘણા સમયથી પથારીવશ હતા. તેમની દીકરી હેમલતાબેન દિનેશભાઇ પટેલે તેમને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. વધુ સારવાર માટે પાર્વતીબેનને આઈસીયુ વોર્ડમાં ખસેવાની જરૂર પડી હતી. ત્યારે તેમની દીકરી હેમલતાબેને માતાએ હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લઈ રહ્યા હતા. ત્યારે ફરજ ઉપર હાજર સ્ટાફે હેમલતાબેનને આઈસીયુમાં પાર્વતીબેનને ખસેડ્યા બાદ ઓન પેપર લખાણ કરીને તમને ઘરેણાં આપવામાં આવશે તેમ જણાવ્યું હતું અને વોર્ડ બોયને બોલાવી પાર્વતી બેનને આઈસીયુમાં ખસેડવા સૂચના આપી હતી. તેમની સાથે હેમલતા બેન પણ જઈ રહ્યા હતા. પાર્વતી બેનને હોસ્પિટલની લિફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હેમલતાબેનને દાદરથી આવવા સ્ટાફે સૂચના આપી હતી. હેમલતાબેને આઈસીયુમાં પહોંચી સ્ટાફ નર્સને પાર્વતીબેનના ઘરેણાં આપવા માંગ કરતા તેમણે પાર્વતી બેનની એક બંગડી અને ચેન હેમલતા બેનને આપી હતી. જેથી હેમલતાબેને બીજી બંગડીની માંગ કરતા બીજી બંગડી ન હોવાનું જણાવ્યું હતું. જેથી હેમલતાબેને ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફને પૂછવા જણાવ્યું હતું. તો સ્ટાફે બંને હાથમાં બંગડી હોવાનું જણાવ્યું હતું. પાર્વતીબહેને પહેરેલી બંને બંગડી પૈકી એક બંગડી ન મળતા હેમલતાબેને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટરે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવા સૂચના આપી હતી. ઘટના અંગે પરિવારના સભ્યોને રાત સુધી પાર્વતીબહેનની બીજી બંગડી ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાને લઈને વલસાડ સિટી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે અરજી લઈ ઇમરજન્સી વોર્ડ અને આઈસીયુ વોર્ડના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Valsad-Kasturba-Hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *