ભરૂચ,
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે વેલકમ ફ્યુઅલ્સ નામનો પેટ્રોલ પંપ આવેલો છે, જ્યાં ફરજ પરનો કર્મચારી ઓફિસમાં સૂતો હતો. એ દરમિયાન મોટરસાઇકલ પર આવેલા બે બુકાનીધારી અજાણ્યા ઇસમે ઓફિસમાં ધસી આવી રિવોલ્વર બતાવી તેને બાનમાં લઇ ઓફિસમાં લૂંટ ચલાવી હતી. આ સમગ્ર લૂંટની ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, જેમાં નજરે પડે છે કે બે ઈસમ ઓફિસમાં પ્રવેશે છે અને કર્મચારીને માથામાં રિવોલ્વોરનો પાછળનો ભાગ મારી ઈજા પહોંચાડે છે અને ત્યાર બાદ ઓફિસમાં ખાંખાખોળા કરી લૂંટ ચલાવે છે અને ફરાર થઇ જાય છે. નોંધનીય છે કે બનાવ અંગે પેટ્રોલ પંપના સંચાલકે કર્મચારીની ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી લૂંટારાઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપને લૂંટારાઓએ નિશાન બનાવ્યો હતો તેમજ બંદૂકની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
