વાપી
વાપી મોરાઇની એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતી ૨૬ વર્ષની મહિલાએ બુધવારે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, એક માસ પહેલા જ તે આ કંપનીમાં જાેડાઇ હતી. પતિ પણ મોરાઇની એક કંપનીમાં જ નોકરી કરે છે. નોકરી શરૂ કર્યા બાદ બીજા જ દિવસથી તેનો ઇન્ચાર્જ સમાધાન ધુલે દ્વિઅર્થી ભાષામાં વાતચીત કરતો જે બાદથી ઇન્ચાર્જ રોજેરોજ દ્વિઅર્થી ભાષામાં બીભત્સ માગણીઓ કરી હેરાન કરતો હતો. ૨૬ ડિસેમ્બર ૨૦૨૧એ મહિલા રાબેતા મુજબ નોકરી ઉપર જઇ પ્રોસેસિંગ વિભાગમાં વર્કરોની હાજરી લઇ રહી હતી. તે સમયે ઇન્ચાર્જ સમાધાન ત્યાં આવ્યો હતો અને મહિલાને બિઝનેસ સેન્ટરમાં બોલાવતા તે ત્યાં ગઇ હતી. ત્યાંથી આઉટડોર પાસે આવેલ દાદર નજીક લઇ જઇ મહિલાના ગળામાં હાથ નાખી તેને છેડતી કરી નોકરીથી કાઢી મુકવાની ધમકી આપતા ઘભરાયેલી મહિલા બે દિવસ સુધી નોકરીએ ગઇ ન હતી. પતિને આ અંગે વાતો કરી કંપનીના અધિકારીઓને વાત કરતા તેમણે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તે છતાં કોઇ પગલા ન લેતા પોલીસમાં આરોપી સમાધાન ધુલે રહે.દમણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સમાધાન ધુલેએ પીડિતાને કંપનીમાં એકાંતમાં બોલાવી ધમકાવેલ કે, મે તમને નોકરી અપાવેલ છે તો તમે મારા માટે પર્સનલી શું કરી શકો છો. એકાંતમાં પકડી પાડી છેડતી કર્યા બાદ કોઇને જણાવશો તો કોઇ ફરક નહિ પડે અને ઘરે બેસવાનો વારો આવશે.
