વલસાડ
વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા દ્વારા નિર્મિત કસ્ટમ રોડ પર આવેલ શાકભાજી માર્કેટની હરાજી પ્રાંત અધિકારી પારડી, ચીફ ઓફિસર વાપી નગરપાલિકા, વાપી નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન વાપી નગરપાલિકાની ઉપસ્થિતિમાં નવા શાકભાજી માર્કેટના પરિસરમાં રાખવામાં આવી હતી. જેમાં કુલ ૮ દુકાનો, ભોંયતળિયાના ૪૬ સ્ટોલ તથા પ્રથમ માળના ૫૬ સ્ટોલ મળી કુલ ૧૧૦ દુકાનો/સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી હતી. જે પૈકી ભોંયતળિયાની ૮ દુકાનો, ૪૬ સ્ટોલ તથા પ્રથમ માળના ૨૩ સ્ટોલની બોલી મંજુર થઈ હતી. તેમજ પ્રથમ માળના ૩૩ સ્ટોલની બોલી બાકી છે, જે આવનારા સમયમાં કરવામાં આવશે. આ હરાજીમાં નગરપાલિકાને રૂ. ૮.૫૧ કરોડની અપસેટ વેલ્યુ સામે અંદાજિત રૂ. ૧૦.૧૩ કરોડ જેટલી આવક થઈ છે. જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત ૧૦ સ્ટોલ પૈકી ૨ સ્ટોલની હરાજીની બોલી મંજૂર થયેલી છે. તેમજ અનુસૂચિત જનજાતિના ૧૦ સ્ટોલ પૈકી ૫ સ્ટોલની હરાજીની બોલી મંજુર થયેલી છે. દિવ્યાંગ માટે અનામત ભોંયતળિયાના ૩ સ્ટોલ પૈકી ત્રણેયની બોલી મંજુર થયેલી છે. નોંધનીય છે કે શાકભાજી માર્કેટ ખાતે બાકી રહેલા ૩૩ સ્ટોલની હરાજી આગામી દિવસોમાં રાખવામાં આવશે. ઉપરાંત મોટી સંખ્યામાં વેપારીઓ શાકમાર્કેટના સ્ટોલની હરાજીમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી શાકભાજી માર્કેટની દુકાનની હરાજી યોજાઈ હતી. જેમાં વાપી નગરમાં રહેતા શાકભાજીના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાપી નગરપાલિકાએ તૈયાર કરેલી શાકભાજી માર્કેટના સ્ટોલ અને દુકાનોની હરાજીમાં વેપારીઓ ઉત્સાહ સાથે જાેડાયા હતા. પાલિકાની રૂ. ૮.૧૫ કરોડની અપસેટ વેલ્યુ સામે પાલિકાને રૂ. ૧૦.૧૩ કરોડની અંદાજીત આવક નોંધાઇ છે.
