વિજાપુર
વિજાપુરના રણાસણ ગામ નજીક આવેલા ત્રિશિવ ફ્યુઅલ સ્ટેશન નામના પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા માણસાના મહુડી ગામના ગોપાલસિંહ દશરથસિંહ રાઠોડ ઓફિસમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે લાકડીથી કોઇએ દરવાજાે ખખડાવ્યો હોય તેવો આભાસ થયો હતો. જેને લઇ ગોપાલસિંહ હાથમાં ટોર્ચ અને લાકડી લઇ ઓફિસમાંથી બહાર આવી ઓફિસની બહાર સૂઇ રહેલા સહકર્મી મુકેશસિંહ ચતુરસિંહ રાઠોડને જગાડી ચોર આવ્યા હોવાની જાણકારી આપી હતી. બંને કર્મીઓ ઓફિસની પાછળ જઇ તપાસ કરતાં ત્યાં કોઇ જાેવા ન મળતાં બંને પરત ફર્યા ત્યારે પાછળથી પથ્થરમારા વચ્ચે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના ૫ શખ્સોને દીવાલ કૂદી આવતાં જાેઇ બંને કર્મીઓ મદદ માટે હાઇવે પર ભાગ્યા હતા. આ દરમિયાન લુટારુઓ ઓફિસમાં તોડફોડ કરી કબાટમાંથી રૂ.૨૦ હજારની રોકડ લઇ ફરાર થઇ ગયા હતા. વિજાપુર પોલીસ મથકે રૂ.૨૦ હજારની લૂંટની ૫ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ કે.એમ. ચાવડાએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે. લુટારુ ખેતરોમાંથી ભાગ્યા હતા.વિજાપુર તાલુકાના રણાસણ ગામની હદમાં આવેલા પેટ્રોલપંપ ઉપર દીવાલ કૂદીને આવેલા ૫ લુટારુઓએ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરી ઓફિસમાંથી રૂ.૨૦ હજારની લૂંટ કરી ભાગી ગયા હતા. વિજાપુર પોલીસે ફરિયાદ નોંધવાની સાથે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
