ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ગીર સોમનાથમાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓળખ માટે EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.
જે અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલ અન્ય ૧૨ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇશ્યૂ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે. જે રજૂ કરી મતદાન કરી શકાશે.
વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
