વીરપુરમાં ફૂડ શાખાનું ચેકીંગ
ચેકીંગના પગલે અનેક વેપારીઓએ ફટાફટ દુકાનો બંધ કરી
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફુડ શાખાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેઈન બજાર સહિત મંદિર પાસે મીઠાઈ તેમજ પેંડાનો પ્રસાદ વેંચતા દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા પેંડા સહીતની મીઠાઈઓ કે જે વિરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા લાખો યાત્રાળુઓ પ્રસાદ માટે ખરીદી કરતા હોય છે જેમને લઈને પેંડા સહિતની પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા હતા. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની જન્મ જયંતિ આગામી 31 ઓક્ટોબરે હોવાથી તે પહેલા ફુડ શાખાના ચેકીંગથી પેંડા પ્રસાદ તેમજ મીઠાઓની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પ્રસાદ માટે પેંડા વેંચતા દુકાનદારો ફટાફટ દુકાનો બંધ કરીને જતા રહ્યા હતા,
ફુડ શાખના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમ્પલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે,
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દીવાળીના તહેવારોના દિવસોમાં તેમજ પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે યાત્રાધામ વીરપુરમાં લાખો યાત્રાળુઓ વીરપુર આવતા હોય છે જેમને લઈને હજુ પણ બજારોમાં પ્રસાદ માટે વેચાતા પેંડા સહિતની મીઠાઈઓમા ફુડ વિભાગ દ્રારા ચેકિંગની પ્રસનીય કામગીરી કરવામાં આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મીઠાઈના વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યાત્રાળુઓ તેમજ લોકોમાં માંગ ઉઠવા પામી છે.


