ગીર સોમનાથ
હાલ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન જિલ્લા પોલીસવડા કરી રહ્યા છે. જેમાં જિલ્લા મથકના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વની એવી ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં રહેલી રામભરોસા પોલીસ ચોકીનું નવીનીકરણ કરાયું હતું. જેનું ઉદ્દઘાટન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગના ચોપડે કોમી સંવેદનશીલની દ્રષ્ટીએ ટોચ પર રહેતા જિલ્લા મથક વેરાવળ શહેરના ઘણા વિસ્તારો સંવેદનશીલ વિસ્તારોની વ્યાખ્યામાં આવે છે. ત્યારે શહેરના આવા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે દાયકાઓ અગાઉ રામભરોસા પોલીસ ચોકી બનાવી કાર્યરત કરવામાં આવી હતી. દરમ્યાન છેલ્લા ઘણા સમયથી આ ચોકી જર્જરીત બની ગઈ હતી. જેથી સીટી પીઆઈ એસ.એમ. ઈશરાણી અને પીએસઆઈ રીના સુવાએ અંગત રસ લઈને ચોકીનું નવીનીકરણ હાથમાં લીધુ હતુ. જેમાં વર્તમાન સમયમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સબબ ‘રાઉન્ડ ધ ક્લોક’ સારી રીતે કામગીરી કરી શકે તેવા હેતુસર લોકભાગીદારીથી પોલીસ ચોકીની નવીનીકરણની કામગીરી કરાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, શહેરની મધ્યે આવેલી રામભરોસા પોલીસ ચોકીની હદ હેઠળ લાબેલા, આરાધના, ચાર ચોક, સટ્ટાબજાર જેવા અતિસંવેદનશીલ વિસ્તારોમાં આવે છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં નાની-નાની વાતોએ મોટું સ્વરૂપ ધારણ કર્યાની ઘટનાઓ બની હતી. જેથી આ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપે જાળવવા તથા ચાંપતી નજર રાખવા માટે રામભરોસા પોલીસ ચોકી મહત્વની બની રહે છે. જેથી તેને સુવિધાસભર બનાવવામાં આવી હતી.
