ગીર સોમનાથ
વેરાવળ સોમનાથ બાયપાસ નેશનલ હાઈવે ઉપર ઇનોવા કારની આડે અચાનક જ વન્યપ્રાણી રોઝડું ઉતરી આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઇનોવા કારને મોટું નુકસાન થવાની સાથે રોઝડાનું મૃત્યુ નીપજ્યું હતું. જાે કે સદનસીબે કારમાં સવાર પરીવારનો આબાદ બચાવ થતા પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે સોમનાથ થી જુનાગઢ તરફ નેશનલ હાઈવે બાયપાસ રોડ ઉપર જઈ રહેલી ઇનોવા કારની આડે તાલાલા ચોકડી નજીક અચાનક જ ડિવાઇડર ઠેકીને વન્યપ્રાણી રોઝડું આવી ચડ્યું હતું. જેના કારણે કાર અને વન્યપ્રાણી રોઝડા વચ્ચે જાેરદાર ટક્કર થતા ઇનોવા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જેના કારણે ઇનોવા કારને મોટું નુકસાન થયું હતું. જ્યારે વન્ય પ્રાણી રોઝડાનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. કાર અને વન્ય પ્રાણીની જાેરદાર ટક્કરના પગલે અવાજ સાંભળીને આસપાસના લોકો હાઇવે ઉપર મદદે દોડી આવ્યા હતા. તો ઈનોવા કારમાં સવાર લોકો હેમખેમ રીતે બહાર નીકળી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, હાઇવે ઉપર પસાર થતાં વાહનોની આડે જ્યારે રોઝડા જેવું કોઈ વન્યપ્રાણી આવી ચડે ત્યારે ઘણી વખત ગમખ્વાર અકસ્માત સર્જવાની સાથે લોકોને નાની મોટી ઈજાઓ થતી જાેવા મળે છે. પરંતુ આજના અકસ્માતમાં સદનસીબે ઇનોવા કારમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ થતાં તેમના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


