સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિકાસ અને વિકાસની વ્યવસ્થા પ્રબંધન બંનેનો સમન્વય થાય તો જ વિકાસના મીઠા ફળ મળે નહિતર માઠા ફળ મળતાં પણ વાર નથી લાગતી. જ્યારે આપણે કોઈ પણ નવી ઈમારત, રોડ રસ્તા, પુલ, ડેમ કે ઓવરબ્રીજ અંડરબ્રીજ બનાવીએ છીએ. હા, રસ્તા હોય, બ્રીજ હોય કે કોઈ ઊંચી ઈમારત હોય તેની કેપેસિટી (ક્ષમતા પ્રબંધન) મુજબ જાહેર નિભાવ વ્યવસ્થા પણ લક્ષમાં લેવી જોઈએ.. પરંતુ જ્યારે ઉત્સવો, તહેવારો અને મેળાવડા સમયે એ બાબતે કદાચ પર્યાપ્ત માત્રામાં લક્ષ આપવામાં નહીં આવતું હોય પરિણામ સ્વરૂપ ક્યારેક કોઈ ભેંશ, ગાય ઝડપી વાહનોને ટ્રેનોને ઠોકરે આવી જતાં હોય છે તો વળી વન્ય વિસ્તારમાંથી પસાર થતાં વાહનોનો પણ વન્ય પ્રાણીઓ ફેન્સિંગ ન હોવાને કારણે અકસ્માતનો ભોગ બને છે. તો ઘણી વખત રોઝડા જેવા કદાવર પ્રાણીઓ દ્વિચક્રી વાહનો સાથે અથડાઈ અને અકસ્માત સર્જાય છે. હાલ તો વાત કરવી છે મોરબીના ઝૂલતાં પુલની.. હજુ બે ત્રણ દિવસ પહેલા લોકો માટે જાહેર માર્ગ તરીકે ખુલ્લો મુકવામાં આવેલ. આ પુલ અચાનક વધુ ટ્રાફિક કે કારણ જે હોય તે અચાનક પુલ તૂટ્યો અને લોકોને આ આકસ્મિક દુર્ઘટના સમજાય તે પહેલાં તો કેટલાય લોકો મોરબીની મચ્છું નદીમાં પોતાના સ્વજનો સામે ખાબકતાં જોવા મળ્યા.. આ એ જ નદી છે જ્યાં વર્ષો પહેલાં ડેમ તૂટવાની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જો કે ઘણાં લોકો તો ઝૂલતાં પૂલના તૂટેલા છેડાને પકડીને જીવ બચાવવા કોશિશ કરતાં હતાં તો ત્યાં મોજૂદ લોકોએ પણ માનવ સાંકળ રચી ઘણાં લોકોને નદીમાંથી બહાર કાઢી બચાવવાના ભગીરથ કાર્યમાં લાગી ગયા હતા.. ચારે તરફ ચીસો અને ચિચિયારી સંભળાતી હોય વાતાવરણ ઘણું ગમગીન હતું. અમુક લોકો આઘાત કે કોઈ અન્ય કારણ સર બેહોશ થયેલાં પણ જોવા મળે એ પણ વિધિની વક્રતા જ કહેવાય.. જો કે થોડે ઘણે અંશે માની લઈએ કે ઓવર ટ્રાફિકને કારણે પુલ તૂટ્યો હશે.. પરંતુ એ તો તપાસનો વિષય છે.. સવાલ પ્રબંધનનો તો છે કે નદી પર ઝૂલતો પુલ હોય એટલે ત્યાં આવવા જવા માટે કોઈ સંખ્યાનું નિયંત્રણ તો હોવું જોઈએ અને તેને માટે તંત્ર દ્વારા વ્યવસ્થા એક ચોક્કસ મિકેનીઝમ પણ હોવું જોઈએ.. જેમ ટ્રેન પસાર થવાના થોડા સમય સુધી ક્રોસિંગ ફાટક બંધ રહે છે એવી કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ કે પછી આવી દુર્ઘટના સર્જાઈ પછી જ તંત્રને શાણપણ લાઘે છે ભગવાન જાણે. આગવું આયોજન ડીઝાસ્ટર મેનેજમેન્ટ આ બધા પાસાઓની સમીક્ષાઓ સમયાંતરે થવી જોઈએ.. પરંતુ આપણે તો રેલીઓ અને સરકારી મેળાવડાઓમાંથી ઊંચા આવીએ તો કંઈક વિચારવાની ફુરસદ મળે. હા, બાકી દુર્ઘટના બને ત્યારે જેને ભોગવવું પડે તે જ સમજી શકે.. બાકી તો ઈશ્વર સૌનું કલ્યાણ કરે..
