અમદાવાદ
મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે ૨ મેના મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પીયુષ અને કુલદીપ આવ્યા હતા. આ કોન્સ્ટેબલ ઘરમાં વિના વોરંટે આવીને વેપારી ગૌરાંગ પટેલને કહેવા લાગ્યા કે, તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો. આટલું કહીને તેમના ઘરના રૂમમાં તપાસ કરવા લાગ્યા. ઘરના કબાટ અને અન્ય વસ્તુઓ તપાસવા લાગ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્ય દ્વારા તેમનો વિડીઓ ઉતારવામાં આવ્યો તો મોબાઈલ ઝુટવી લીધો હતો. ૨ કોન્સ્ટેબલ પૈકી કુલદીપ નામના કોન્સ્ટેબલે પોતાના શર્ટનું બુટન જાતે તોડી નાખ્યું અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા. ડી સ્ટાફ ઓફિસે કોન્સ્ટેબલ પીયુષે ખુરશીમાં બેસીને બંને ભાઈઓને નીચે બેસવા કહ્યું, જે બાદ બંને ભાઈઓએ ઘરમાં રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરી કામમાં અડચણ ઊભી કરી છે તેવી કલમો હેઠળ ગુનો નોંધવાનું કહીને કોમ્પ્યુટરમાં ટાઈપ કરવા લાગ્યો હતો. આટલું કહીને ગૌરાંગભાઈના પિતાને પણ ધમકાવવાનું શરુ કર્યું અને કહ્યું કે, તમારા છોકરાઓ જેલ ભેગા થઇ જશે. બંને કોન્સ્ટેબલે ગૌરાંગભાઈના પિતા પાસે ૧૦ લાખની માંગણી કરી હતી અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને માર મારવાનું શરુ કર્યું હતું, સાથે જ ધમકી આપી કે, ‘તમારા બંને છોકરાઓને કેવા ફીટ કરી દવ છું જુઓ અને હાઈકોર્ટમાંથી પણ જામીન નહીં મળે તેવું’. જાેકે પિતાએ ડરીને પુત્રો માટે ઘરેથી બધી રકમ ભેગી કરીને ૪.૫૦ લાખ કોન્સ્ટેબલ પીયુષને આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેમની પાસે એક કાગળ પર સહી કરાવી હતી જેમાં લખ્યું હતું કે, અમે તમારા ઘરે રેડ કરી તેમાં કઈ મળ્યું નથી અને અમે તમને કંઈ કર્યું નથી. આ સમગ્ર મામલે ઘરે આવીને ગૌરાંગભાઈએ પોલીસની દાદાગીરી સામે લડી લેવા માટે અરજી તૈયાર કરી હતી, જેમાં પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. આ અરજી તૈયાર કરીને અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી, જાેઈન્ટ પોલીસ કમિશ્નર સેક્ટર-૨ અને ક્રાઈમ બ્રાન્ચને આપી હતી. પોલીસ માટે અમને માન હતું, મણીનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના આ કૃત્યથી સમાજમાં અમારી બદનામી થઈ છે. અમને ખોટી રીતે ફસાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમે ખોટા હતા તો કાયદેસરની કાર્યવાહી શા માટે કરવામાં ન આવી. અમને ન્યાય મળે તે માટે અલગ અલગ કચેરીમાં અરજી આપી છે, મને સરકાર પર વિશ્વાસ છે કે મારી અરજી બાબતે કાર્યવાહી કરશે. અમારા ધ્યાને અરજી આવી હતી જેને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે. આ સમગ્ર મામલે કે ડીવીઝન એસીપી મિલાપ પટેલને તપાસ સોપવામાં આવી છે. મિલાપ પટેલ દ્વારા જે તપાસ કરવામાં આવશે અને તેમાં જે હકીકત સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટ પોલીસ બાદ હવે અમદાવાદ પોલીસના ૨ પોલીસકર્મીઓ પર તોડ કરવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે. મણીનગરમાં રહેતા વેપારીના ઘરમાં ઘુસી બુટલેગર હોવાનું કહીને ૨ પોલીસકર્મીઓએ સૌ પ્રથમ બોલાચાલી કરી હતી જે બાદ પોલીસની કાર્યવાહીમાં અડચણરૂપ થયાનો ખોટો કેસ કરવાની ધમકી આપીને તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા. જ્યાં વેપારી પાસે ૧૦ લાખની માંગણી કરીને ૪.૫૦ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે વેપારીએ પોલીસમાં અરજી કરી છે.
