ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર માટે ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે ખુબ ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગને કારણે ખુબ જ ધ્વની પ્રદૂષણ પેદા થાય છે. અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો મુકયા છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ સત્તાધિકારીની પરવનગી મેળવીને સવારે ૦૬-૦૦ કલાકથી રાતના ૧૦-૦૦ કલાક સુધી થઇ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારીશ્રીની નિયમાનુસારની પરવાનગી મેળવ્યા સિવાય કોઇ પણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં. અને આવી પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ ાટે સંબંધિત ચૂંટણી અધિકારી પાસેથી નિયત નમૂનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે. તથા વાહન પરમીટ હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પરવાનગી / પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઇ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૦/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબસજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
