માંગરોળ અને કેશોદ વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આશિષ કુમારે આ મતક્ષેત્રના હરીફ ઉમેદવારો સાથે બેઠક યોજી, આદર્શ આચારસંહિતાની અમલવારી, ઉમેદવારોને કરવાના થતા ખર્ચની મર્યાદા અંગે માર્ગદર્શન આપવાની સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ યોજવા માટે પરામર્શ કર્યો હતો.
વિધાનસભા સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ ન્યાય અને મુક્ત રીતે પૂર્ણ થાય એ માટે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
કેશોદ અને માંગરોળ વિધાનસભા મત વિસ્તારના હરીફ ઉમેદવારો સાથેની આ બેઠકમાં ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આશિષ કુમારે આચાર સંહિતા અને ખર્ચની બાબતો અંગે ચૂંટણી પંચના નિયમોથી માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત હરિફ ઉમેદવારોને ફોન નંબર આપી પ્રશ્ન સમસ્યા અંગે માર્ગદર્શન લેવા પણ જણાવ્યું હતું. બેઠકમાં કેશોદ વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી ગરચરે માહિતી આપી ઉમેદવારોના ખર્ચ મર્યાદા તેમજ શેડો રજીસ્ટર અંગે લેવાની થતી વિવિધ મંજૂરીઓ અંગે માહિતી આપી હતી.


