Gujarat

સરકારના પ્રયાસોથી ગરીબો, મહિલાઓ, ખેડૂતો, મધ્યમવર્ગ,અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, યુવાઓ સ્વાવલંબી બની રહ્યા છે.  

રાષ્ટ્રના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વના પ્રારંભ પ્રસંગે કાલાવડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રીશ્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્‍વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી અને જિલ્‍લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુંએ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

 

રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ દેશ માટે બલિદાન આપનારા આપણાં વીર સપૂતો અને યોદ્ધાને યાદ કરી ઉપસ્થિતોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતદેશની દુનિયા સમક્ષ અનોખી છબી ઊભરી આવી છે. અમૃતકાળમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. અને આવનારા ૨૫ વર્ષ પણ અમૃતકાળના હશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીના માર્ગદર્શન હેઠળ નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી તમામ લોકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ગરીબો, મહિલાઓ, ખેડૂતો, મધ્યમવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, યુવાઓ સ્વાવલંબી બની રહ્યા છે. ગુજરાત સરકાર હર હંમેશ છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડે છે. ખેડૂતોની આવક બમણી કરવી અને કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. દેશમાં સર્વપ્રથમ એર એમ્બ્યુલન્સ ગુજરાતમાં શરૂ થઈ છે. દર શુક્રવારે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

સુવિધા શહેરની પણ ગામડા આત્માનો આ ધ્યેય સાથે ગામડાઓ પણ આદર્શ બની રહ્યા છે. ગામડાઓનો વિકાસ કરવા ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે. છેલ્લા ત્રણ દિવસથી દરેક ઘરે તિરંગો લહેરાઈ રહ્યો છે એ શૌર્ય, રાષ્ટ્રપ્રેમ અને ચેતનાની અનુભૂતિ કરાવે છે.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહીવટી તંત્રના સતત પ્રયાસોથી જિલ્લામાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. રાજ્યના ખૂણે ખૂણે વિકાસ પહોંચે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે, બહેનો હસ્તકની ગ્રામપંચાયતો છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત આપ્યું છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આ અવિરત વિકાસમાં આપણે સૌ સ્તંભ બની ભારતના સાર્વભૌમત્વને કાર્યરત રાખીએ.

 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કાલાવડ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તેમજ દેશભક્તિ ગીતો અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે જામનગરના વિકાસ માટે કલેક્ટરશ્રી ડૉ.સૌરભ પારઘીને ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્તકર્તાઓને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રી પ્રવીણ મુસડિયા, કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ, નિવાસી અધિક કલેકટર શ્રી મીતેશ પંડયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોમતીબેન,મુકેશભાઈ ડાંગરીયા, મેઘજીભાઈ ચાવડા, યુવાજસિંહ જાડેજા, સંજય ડાંગરિયા, અધિકારીશ્રીઓ, શાળાના વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

DSC_0379.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *