Gujarat

સરકારી રહેણાંકના વપરાશ અંગે ઉપર લદાયા કેટલાક નિયંત્રણો

છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ આદર્શ આચારસંહિતા જળવાઇ રહે તે માટે કેટલાક નિયંત્રણો લાદવા આવશ્યક હોઇ, છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જિલ્લામાં આવેલા વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંક વિગેરેના વપરાશ ઉપર કેટલાક નિયંત્રણો જાહેરનામું પ્રસિદ્ધ કરી લાદ્યા છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર વિશ્રામગૃહો, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકારો ભોગવશે નહીં અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો  કે ઉમેદવારોને પણ કરવા દેશે. પરંતુ કોઇ પણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક(તેની સાથે જોડાયેલ આંગણું-વરંડા સહિત)નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ પણ યોજી શકાશે નહીં.
ચૂંટણી પ્રચારમાં આવેલા મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા-લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓના માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પઉન્ડમાં રાખી શકાશે નહીં. એક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇ પણ મહાનુભાવો મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહમાં રહેવા અતિથિગૃહ વિગેરેના રૂમનો ઉપયોગ કરી શકશે નહીં.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને રાજય સરકારના હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહો/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરીક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારને તા. ૦૩/૧૦/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધીમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાને તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *