રાજકોટ
ભારતના લોખંડી પુરૂષ અને રાષ્ટ્રના ઘડવૈયા સરદાર વલ્ભભાઇ પટેલની જન્મ જયંતિને લઈને દર વર્ષે ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા સવાર સુધી માર્ચપાસ્ટ (એકતા રેલી)નુ આયોજન પોલીસ હેડક્વાર્ટરથી બહુમાળી ભવન સુધી કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનરથી લઇ હોમગાર્ડના જવાનો અને અશ્વદળે ભાગ લીધો હતો. બહુમાળી ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સલામી અર્પણ કરી રેલી પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરી હતી. આ માર્ચપાસ્ટમાં રાજકોટ શહેર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, ટ્રાફીક બ્રિગ્રેડના જવાનો તથા માઉન્ટેડ વિભાગના અશ્વદળે ભાગ લીધો હતો. તેમજ રાજકોટ કલેક્ટર અને મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે રાખવામાં આવેલ રન ફોર યુનિટી કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જાેડાશે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબરે રાજકોટ શહેરમાં રન ફોન યુનિટીનું આયોજન અમે કરી રહ્યા છીએ. આજે તેના ભાગરૂપે રાજકોટ સિટી પોલીસ અને પોલીસ કમિશનર તરફથી માર્ચપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનરથી લઈને ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ બહુમાળી ભવનથી પોલસ હેડ ક્વાર્ટર સુધી માર્ચપાસ્ટ યોજાઈ હતી. ભારતની એકતા થીમ પર તમામ કામ ચાલી રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસની એકતાનો મેસેજ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પોલીસ પરેડ હેડક્વાર્ટરથી બહુમાળી ચોક સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યના લોકો સાથોસાથ પોલીસના જવાનો ભાગ લેશે.


