Gujarat

સાબરમતી નદીનાં પટ બાવળની ઝાડીમાં બુટલેગરે છુપાવેલી વિદેશી દારૂની ૨૦૭ બોટલો જપ્ત કરાઈ

ગાંધીનગર
ગાંધીનગરના ભાટ સાબરમતી નદીના પટમાં બાવળની ઝાડીઓમાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૮ હજારની કિંમતની ૨૦૭ નંગ બોટલો અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે જપ્ત કરી છારાનગરનાં બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પાણીના અભાવે સૂકી ભઠ્ઠ રહેતાં દેશી દારૃની ભઠ્ઠીઓ ચલાવવા બુટલેગરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. છાશવારે પોલીસ દ્વારા સાબરમતી નદીના પટ દરોડો પાડી દારૂ – વોશ ઝડપી પાડવામાં આવતો રહે છે. જાે કે પોલીસની ઢીલી નીતિના કારણે દેશી દારૃની ગેરકાયદેસર ભઠ્ઠીઓ રાબેતા મુજબ ધમધમતી થઈ જાય છે. ત્યારે અડાલજ પોલીસે ભાટ સાબરમતી નદીમાં દરોડો પાડીને વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાલજ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, સાબરમતી નદીના પટમાં આવેલ બાવળની ઝાડીમાં ભાટ ગામની સીમમાં રાકેશ ઉર્ફે બોક્સર મહેશભાઇ જાડેજા (છારા)(રહે-છારાનગર,સાબરમતી) એ વિદેશી દારૂની બોટલો સંતાડી રાખી છે. જેનાં પગલે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએથી થોડેક દુર ખાનગી વાહન મુકી ચાલતા સાબરમતી નદીના પટમાં જતા ઉપરોક્ત ઇસમ રાકેશ ઉર્ફે બોક્સર સ્થળ ઉપર હાજર મળી આવ્યો નહોતો.બાદમાં પોલીસે નદીનાં પટમાં આજુબાજુની બાવળની ઝાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેનાં ફલશ્રુતિ ત્રણ મોટા પ્લાસ્ટિકના કોથળામાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૦૭ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *