Gujarat

સાવરકુંડલાનાં પ્રાંત અધિકારીની શુભેચ્છા મુલાકાત કરતાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ..સાવરકુંડલા શહેર આ અધિકારીશ્રીની સ્મૃતિઓ કાયમ તેનાં સ્મૃતિ પટ પર સંચિત કરીને રાખશે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સરકારી ફરજ બજાવતાં કર્મચારી અને અધિકારીઓની બદલી થવી એ સામાન્ય વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે અને સુચારું વહીવટ માટે એ જરૂરી પણ છે. પરંતુ અમુક કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની કાર્યનિષ્ઠા અને કુનેહ અને પ્રામાણિક વહીવટની લોકોના જનમાનસ પર  એક અમિટ છાપ છોડી જતાં જોવા મળે છે. આવાં અધિકારીઓની બદલી પણ ખરેખર યાદગાર ઘટના બની જતી હોય તેવું અવશ્ય કહી શકાય. આવાં એક સંનિષ્ઠ અધિકારીની બદલી થતાં સાવરકુંડલા શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો હતો. સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી આર. આર. ગોહિલ એક  મિલનસાર, હસમુખા અધિકારી તરીકે સાવરકુંડલા શહેરવાસીઓના દિલ જીતી લીધા હતા. આમ તો સાવરકુંડલા શહેરમાં તોકતે વાવાઝોડું અને કોરોના કાળમાં એમની શ્રેષ્ઠ કામગીરી ઉડીને આંખે વળગે તેવી જોવા મળી હતી. તેની બદલીના સમાચાર મળતાં સાવરકુંડલા શહેરના કાંટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી પંકજભાઈ નગદીયા, યુવા ઓઈલ મીલર અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના ડિરેક્ટર શ્યામભાઈ રૂપારેલ, શ્રીનાથજી પેટ્રોલિયમના ઓનર ચિંતનભાઈ રૂપારેલ અને શહેરના પત્રકાર દીપકભાઈ પાંધીએ સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી આર. આર. ગોહિલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી ગોહિલ સાહેબને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છનો ગુલદસ્તો અને સાકરનો પડો અર્પણ કરી તેમની સેવાને ખૂબ ખૂબ બિરદાવી હતી. આ સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકામાં પોતાની ફરજ દરમિયાન શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ પત્રકાર મિત્રો અને શહેરના આમ નાગરિકોનો પણ ખૂબ સહકાર સાંપડ્યો હતો. અને સાવરકુંડલાવાસીઓ દ્વારા મળેલ એ અખૂટ પ્રેમ પોતાના જીવનમાં કાયમી સુખદ સંભારણું બનીને પોતાના હ્રદયમાં સદાય ધબકતું રહેશે. આમ નાવલી નદીનાં એ સંસ્મરણો પોતાનાં જીવનનું એક અણમોલ ભાથું બની રહેશે તેમ જણાવ્યું હતું. આમ તો પ્રાંત અધિકારી પોતે પણ એક સાહિત્યપ્રેમી જીવ હોવાથી અહીંના સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો સાથે પણ ઘનિષ્ઠ સ્નેહ પ્રાપ્ત કરેલ છે. સાવરકુંડલા શહેર પણ આવાં ઉદારમતવાદી અધિકારીને હમેશાં પોતાની સ્મૃતિમાં સાચવીને રાખશે એ વાત પણ નિર્વિવાદ છે.

IMG-20220224-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *