સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના કાયમી તથા રોજમદાર કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભે તંત્ર દ્વારા કોઈ રચનાત્મક ઉકેલ ન આવતાં છેલ્લા પાંચેક દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે પાણી પુરવઠા વિતરણ વિભાગના કર્મચારીઓ તેમની કામગીરીથી અળગા રહીને પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી હતી તો આજે સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓ પણ પોતાની કામગીરીથી અળગા રહેશે એટલે સમગ્ર સાવરકુંડલા શહેરમા આજે રાત્રે જાહેર રસ્તાઓ પર અંધકારના ઓળા છવાઈ જશે. દીપાવલીના પર્વમાં જ્યાં રોશની હોય ત્યાં આજે ઘોર અંધકારનું સામ્રાજ્ય છવાશે. આજરોજ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આ કર્મચારીઓની મુલાકાત લીધી હતી આ તકે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી પણ અહીં છાવણી સ્થળે પધાર્યા હતાં. ધારાસભ્યશ્રી એ સાવરકુંડલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર મેડમ સાથે આ હડતાળ અને કર્મચારીઓએ પ્રશ્ર્નો અંગે પૃચ્છા કરી હતી. આ તકે ચીફ ઓફિસરશ્રી એ આ સંદર્ભે પોતાના લેવલે ઉપર કોઈ રજૂઆત કરી છે કે કેમ? તે અંગે પણ માહિતી માંગી હતી. આ સિવાય નગરપાલિકાના કર્મચારીઓની રૂબરૂ ઉચ્ચ કક્ષાએ ટેલીફોનીક સંપર્ક કરી આ હડતાળ અંગે સરકાર શ્રી એ યુધ્ધના ધોરણે રચનાત્મક ઉકેલ લાવવા પણ રજૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરની જીવાદોરી સમાન કામ કરતા નગરપાલિકાના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓનો ઉકેલ લાવવા તંત્રને જાહેર અપીલ પણ કરી હતી અને સાથો સાથ સાવરકુંડલા શહેરની લાઈટ પાણી સફાઈ સેવાઓ આ દિવાળી જેવાં પર્વમાં ખોરવાશે એ લોકતંત્રમાં વ્યાજબી તો નથી જ. લોકો આ સમસ્યાથી પીડાય નહીં એ માટે પણ સરકાર દ્વારા કોઈ રચનાત્મક ઉકેલ લાવવો જોઈએ એવું પણ જણાવ્યું હતું.

