સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો ફળોની વાત કરીએ તો કેરી એ ફળોનો રાજા ગણાય. કાચી હોય ત્યારે ખાટી બડબા જેવી પરંતુ પાકે એટલે મીઠી મધ જેવી લાગે.. વડીલો અને ઘરડાં સદ્ગૃહસ્થો તો કેરી એટલે લોહી સુધારનારું ફળ એવું જ કહેતાં. આ સંદર્ભે કેરી એ ફળોનો રાજા છે તે વાત પણ સાર્થક થાય છે. હા, આ વખતે કેરીના ભાવ ઊંચા રહેશે એ વાત પણ સાચી છે કારણ કે ગત તોકતે વાવાઝોડામાં અનેક આંબાવાડી ધરાશાયી થતાં આંબાનો સોથ વળી ગયો છે. વળી કેસર કેરીની માંગ તો વિદેશમાં પણ ખૂબ હોય આમજનો માટે આ ફળ અવશ્ય મોંઘુ થશે. આજરોજ સાવરકુંડલા શહેરમા કેસર કેરીના પ્રતિકિલો ૪૦૦ રૂપિયા જેવો ભાવ છે. આમ શરૂઆતમાં ભાવ વધુ હોય એ સ્વાભાવિક છે પરંતુ સરેરાશ ૪૦૦ રૂપિયા એટલે ઘણી મોંઘી કહેવાય. મધ્યમ વર્ગના લોકોને કે ગરીબો માટે તો એ સપનાં જેવા જ ભાવ ગણાય.. આ વર્ષે એવરેજ કેસર કેરીનો પ્રતિકિલો રૂપિયા ૧૫૦ થી ૨૦૦ રહેવાનું અનુમાન. જો કે કેરી દૂરથી જોવાનો કોઈ ચાર્જ નથી એટલે ગરીબ જનતાએ તો દૂરથી જોઈને જ મન મનાવી લેવું કે કેરી એ ફળોનો રાજા છે.!! એમ છતાંય સંતોષ ન થાય તો કેરીનું સચિત્ર વર્ણન સાંભળીને કે કોઈ કેરીની સુંદર તસવીર જોઈને પણ મન મનાવી લેવું.. આમ પણ પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ વધારાને કારણે પણ હવે કેરીના ભાવ ઉંચા તો રહેશે જ.. એટલે સાવરકુંડલાનગરજનોએ પોતાની યથાશક્તિ મુજબ કેરી સિઝનમાં એકાદ બે વખત તો અવશ્ય ખાવી. કારણ કે કેરી એ ફળોનો રાજા છે અને પૌષ્ટિક અને વિટામિન્સથી ભરપૂર છે. ટૂંકમાં સાવરકુંડલા શહેરમા પાકી કેરીના પ્રારંભિક દિવસોમાં ભાવ રૂપિયા ૪૦૦ પ્રતિકિલો છે. એટલે સંભાળીને ખરીદી કરવા જેવો સમય ખરો

