સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલની ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના બંધના આદેશ અનુસંધાને ખાનગી તબીબોની હડતાળ એક મનોમંથનનો વિષય. માત્ર ખાનગી દવાખાના જ નહીં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રસૃતિ ગૃહો, લેબોરેટરી, રેડિયોલોજી સેન્ટર સમેત તમામ કોર્પોરેટ હોસ્પિટલો પણ હડતાળમાં જોડાયા હતા. આ સંદર્ભે સાવરકુંડલા શહેરમા ભલું થજો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર(નિઃશુલ્ક)નું કે સરકારી હોસ્પિટલની જેમ તેની તમામ તબીબી સેવાઓ ગઈકાલે કાર્યરત હતી. ખરાં અર્થમાં આ સંસ્થાએ દર્દી એ જ નારાયણનું સ્વરૂપ છે તે સાર્થક કરી બતાવ્યું ગઈકાલની પૂર્વ તૈયારી રૂપે સાવરકુંડલા શહેરમા આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. મગનભાઈ પાંડવે તેમના તમામ કર્મચારીઓ સાથે મિટિંગ યોજી કોઈ પણ દર્દીને કોઈ મુશ્કેલી ન પડે તથા વધુમાં પેશન્ટ ટ્રિટ થાય તે સંદર્ભે હોસ્પિટલ તંત્ર તેમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ખડેપગે જોવા મળ્યું હતું અને આ અઠવાડિયામાં સૌથી વધુ દર્દીઓની સારવાર તપાસ ગઈકાલે તારીખ ૨૨-૭-૨૦૨૨ના રોજ ૧૧૭૨ દર્દીઓને તપાસી નિદાન સારવાર આપવામાં આવેલ. એ પણ ખાનગી હોસ્પિટલ અને ડોક્ટરોની હડતાલ સમયે દર્દીઓની વ્હારે ઊભા રહેવાનો એક કિર્તીમાન સ્થાપિત કર્યો. આમ પણ તબીબી વ્યવસાયમાં સેવાનું તત્વ તો હોવું જોઇએ અને અહીં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે તો શતપ્રતિશત સિધ્ધ કરી બતાવ્યું કે સેવા એ જ સાધના.. વેદનાને ખરાં અર્થમાં શ્વાસમાં ભરી લીધી. ધન્ય છે એનાં ટ્રસ્ટીગણને ધન્ય છે એના તમામ કર્મચારીઓ ગણને. ખરેખર હડતાળ કરવી જ હોય તો વધુ કામગીરી કરીને પણ પોતાનો વિરોધ વ્યકત થઈ શકે છે. ખૈર આજે દર્દમાં ઘણી વખત માનવી પાયમાલ પણ થઈ જતો હોય છે. એટલે દર્દ ચાહે મોટું હોય કે નાનું એની અવગણના કદી ન કરી શકાય એવી સલાહ આપનારા તબીબી જગતે ગઈકાલે સંપૂર્ણ હડતાળ પાડી ખરેખર ખેદજનક બાબત છે. જો કે લોકતંત્રમાં દરેકને પોતાના વિચારો લોકતાંત્રિક ઢબે વ્યક્ત કરવાનો મૌલિક અધિકાર છે પરંતુ થોડો દર્દીઓનો પણ વિચાર કરવો ખાસકરીને ઈમરજન્સી કેસ એ સંદર્ભમાં થોડું મનોમંથન જરૂરી છે. હડતાળના આદેશ અનુસંધાને સમગ્ર સાવરકુંડલા શહેરના ખાનગી હોસ્પિટલ, દવાખાના ઓપીડીથી થઈ લઈને ઈમરજન્સી કેસના દર્દીઓ માટે સંપૂર્ણ બંધ હતી. જેમાં દર્દીઓનો ભોગ શા માટે લેવાય? ગઈકાલે ઈમરજન્સીથી માંડીને સામાન્ય દર્દોની સારવાર લેતા દર્દીઓ માટે આ તમામ ખાનગી દવાખાનાઓ બંધ હોવાથી દર્દીઓ કફોડી હાલતમાં જોવા મળ્યાં હતાં. અને ભાઈ દર્દ થોડું સમય કે ચોઘડિયા પૂછીને આવે કે દર્દની એપોઇન્ટમેન્ટ નથી લેવાની હોતી. અમુક દર્દો તો એવા પ્રાણઘાતક હોય છે અને આંખનાં પલકારામાં જ આવાં દર્દો આવી પણ શકે છે. કદાચ એટલે જ લોકો પણ હવે ધીમે ધીમે મેડિકલેઈમ ઇન્સ્યોરન્સ લેતાં થઈ ગયા છે. તબીબી વ્યવસાય એ એક પવિત્ર વ્યવસાય છે. દર્દીઓ તો તબીબને ઈશ્ર્વરનું બીજું સ્વરૂપ જ સમજતાં હોય છે.. પરંતુ વાત અહીં તબીબોને પડતી સરકારી હાલાકીની હોય કે અદાલતે આપેલી ગાઇડલાઇનનું પાલન એ સંદર્ભમાં તો ન્યાયિક પ્રક્રિયાને માટે અદાલતના દરવાજા ખુલ્લા હોય છે. હવે સવાલ એ થાય કે વિરોધ કોનો કરવો? કાયદાઓ તો સરકાર ઘડે. અદાલત તો તેનું અર્થઘટન કરીને ગાઇડલાઇનનાં પાલનનો આગ્રહ રાખે. પરંતુ ભોળા દર્દીઓને કે જેમના કશા વાંક ગુન્હા વગર આવી પવિત્ર તબીબી સેવા એક દિવસ પણ અટકાવી શકાય? એ ભગવાન ધન્વંતરિને લક્ષમાં રાખીને વિચારવું જોઈએ. કમસેકમ પોતાની પાસે આવતાં દર્દીઓનો તો વિચાર કરવો જોઈએ. ગઈકાલે ખાનગી સારવાર અર્થે આવતાં દર્દીઓએ ખાનગી દવાખાના બંધ હોવાથી સરકારી દવાખાને જવાની ફરજ પડી હતી. હા, સાવરકુંડલા શહેર માટે ભલું થાજો કે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે દર્દીઓની સારવાર સેવા ચાલુ હતી. પરંતુ વિચારવાનો એક સવાલ તો આજે દરેક દર્દીનારાયણના મનમાં ઊઠતો જ હશે કે હેં, ભાઈ! અમારો શો વાંક કે અપરાધ? અમને શા માટે વગર અપરાધે સજા શા માટે.?? જો કે એક વાત પણ અહીં નિષ્કર્ષ પર નીકળે ખરી કે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા એ સરકારની આવશ્યક જવાબદારી હોવી જોઇએ. લોકતાંત્રિક દેશમાં લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવા માટેનો સહિયારો પ્રયાસ જ જરૂરી છે. સરકારના કેન્દ્રમાં કેન્દ્વવર્તી જો કોઈ હોવું જોઇએ તો પ્રથમ દેશના લોકો તેનું શિક્ષણ અને સ્વાસ્થ્ય અને તેનું કલ્યાણ એ જ હોવા જોઈએ.

