સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં સરકારી અંગ્રેજી માધ્યમની મિશ્ર પ્રાથમિક શાળા શરૂ થાય તે અંગે સાવરકુંડલા નગરપાલિકા કોઈ ઠોસ કાર્યવાહી કરે તો સાવરકુંડલાની આમજનતાને અંગ્રેજી માધ્યમની સરકારી સુવિધા મળે ખરી…આમ તો આમ આદમીના હિતમાં એક સારી સુવિધાનું ભાથું સાવરકુંડલા શહેરને પ્રાપ્ત થઈ શકે. આ જ દિશામાં સાવરકુંડલા નગરપાલિકા ગંભીરતાથી વિચારે તો સાવરકુંડલાના શહેરીજનોને ભયો ભયો..
———————————————————————
જો અમરેલી નગરપાલિકા જાહેર જનતાના બાળકોનાં ઉજળા ભવિષ્ય માટે શહેરના હાર્દ સમા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાનો પ્રારંભ કરી રહી હોય તો સાવરકુંડલા શહેરની નગરપાલિકા પણ આ સંદર્ભે થોડું વિચારે તો અમરેલીની જેમ અહીં સાવરકુંડલા શહેરમા પણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ ન કરી શકે? વાત તો વિચારવા જેવી છે,ભાઈ…આમ તો અંગ્રેજી માધ્યમની ઘેલછામાં શહેરના લોકો મોટીમસ શિક્ષણ ફી ભરીને પણ પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એ ઉદ્દેશ સાથે શહેરની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઉત્સુક હોય છે. જો કે બાળકો માટે ગુજરાતી માધ્યમની તો અનેક સરકારી શાળાઓ ઉપલબ્ધ છે. પરંતુ અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા ક્યાં?જો કે નવી શિક્ષણનીતિ અનુસાર બાળકોને ૧થી ૫ ધોરણનું શિક્ષણ તો માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. પરંતુ નવી શિક્ષણનીતિનો અમલ કેવી રીતે થાય છે તે તો સમય જ કહેશે.. સાવરકુંડલા શહેર એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતું શહેર છે. સાવરકુંડલા શહેરમા પણ સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ થાય તો વાલી વર્ગ આ સરકારી શિક્ષણનો લાભ લેતાં થાય.. આમ પણ સાવરકુંડલા શહેરમા હવે શૈક્ષણિક ક્ષેત્રે વધુ સરકારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો થાય તે જરૂરી છે. જો સાવરકુંડલા નગરપાલિકા અંગ્રેજી માધ્યમની મિશ્ર શાળા ચાલુ કરાવાનો સંકલ્પ કરે અને એ દિશામાં યુધ્ધના ધોરણે કાર્યવાહી કરે તો સાવરકુંડલાની જનતા પણ નગરપાલિકાની આવી સદપ્રવૃતિભર્યા પ્રયાસની કાયમી ઋણી રહેશે.. આમ પણ અંતે જાહેર સરકારી સંસ્થાઓ લોકોના કલ્યાણ માટે જ હોય છે..
