સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા ડીવાઈડરની મરમ્મત હવે અત્યંત જરૂરી છે. આમ પણ ડિવાઇડર એટલે વિભાજન એ તૂટતાં જાય એટલે આવનજાવનના બંને માર્ગનું હાર્દ ન જળવાય. છેલ્લા ઘણાં સમયથી આ હાથસણી રોડ પર આવનજાવનના બંને રસ્તાને વિભાજિત કરતી ડિવાઈર વોલ આ રસ્તાના અનેક જગ્યાએ ક્ષતિગ્રસ્ત છે. વધુ સમય આવી રીતે જર્જરિત હાલતમાં રહેશે તો કદાચ એ ડિવાઇડર લાઈનનો ભેદ પણ મટી જાય અને ડિવાઈડરનું હાર્દ નહીં જળવાઈ. આમ તો ડિવાઇડર તો આવાગમનના સુચારું વ્યવસ્થા માટે હોય છે. હાથસણી રોડ ટ્રાફિકથી સતત ધમધમતો જાહેર રોડ છે. એમાં પણ પીક અવર્સમાં તો અહીં અનેક વાહનની અવરજવરની વણઝાર જોવા મળે છે.અહીંથી જ હાથસણી, કાનાતળાવ, રૂગનાથપુર ખોડી જેવા અનેક ગામનાં અહીં ધંધાર્થે કે નોકરી કરવા આવતા લોકો પણ આ રસ્તા પરથી જ આવનજાવન કરે છે. વળી શાળા છૂટયા સમયે તો નાના થી માંડીને મોટા વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી પસાર થતા જોવા મળે છે. આમ ટ્રાફિકથી ધમધમતાં આ રસ્તાનાં ડિવાઈડર બિલકુલ તૂટી જાય એ પહેલાં તેની યોગ્ય મરમ્મત કરવામાં આવે તેવું આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ઈચ્છે છે. હવે થોડા સમયમાં માથે ચોમાસું ઝળુંબતું થશે. આમ ચોમાસા દરમ્યાન આ ક્ષતિગ્રસ્ત ડીવાઈડર વધુ ડેમેજ થાય એ પણ નિર્વિવાદ છે. આ બાબતે પણ તંત્રે વિચારવું જોઈએ. પહેલાંના જમાનામાં દેશી નળિયાવાળા મકાનોમાં દર વર્ષે લોકો પોતાના આવા દેશી નળિયાવાળા મકાનો ચોમાસા પહેલાં નળિયા ચળાવતાં જેથી આખા વર્ષ દરમિયાન પવન કે અન્ય પરિબળોને કારણે ખસી ગયેલાં નળિયા વ્યવસ્થિત થાય અને ચોમાસા દરમિયાન પોતાના ઘરમાં છત પરથી પાણી ન ટપકે. તો આ તો જાહેર રોડનાં ડિવાઇડર એમાં પણ ચોમાસાના પાણીનો માર આવે એટલે ક્ષતિગ્રસ્ત ડીવાઈડર વધુ ક્ષતિગ્રસ્ત થાય એ પણ નિર્વિવાદ તથ્ય છે. તો સંલગ્ન તંત્ર દ્વારા આ બાબતે સંજ્ઞાન લઈને યોગ્ય કરવામાં આવે..વહેલી તકે આ તૂટતાં ડિવાઈડરની મરમ્મત થાય એવું આમજનતા ઈચ્છે એમાં પણ કશું અજુગતું તો નથી ને.??

