Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ આંખની હોસ્પિટલના વિશાળ મેદાનમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનો સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામ બાપુનાં રૂડાં આશિર્વાદથી પ્રારંભ થયો.  મેળે મેળે ચકરડી હેલે ચડી..!!! એ હાલો મેળો માણવા… 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ફરરફરર  આ ચકડોળ ચાલે આજે રોકડા ઉધાર કાલે.. બસ કંઈક આવું જ છે જિંદગીનું જીવનના બહુઆયામી ચડાવ ઉતાર પણ એવાં જ હોય છે. ક્યારેક ઉપર તો ક્યારેક નીચે તો વળી ક્યારેક વચ્ચોવચ્ચ ન ઉપર ન નીચે.. બ્રેકડાઉન મોડ પણ આવે ખરો અરે ભાઈ આવા ગંભીર તત્ત્વચિંતન વચ્ચે ક્યાંક મેળાની મોજ નો લૂંટાય જાય.. હા આમ તો ભારતીય સંસ્કૃતિ એ મેળાપ્રધાન સંસ્કૃતિ જ છે. અહીંની જીવન પરંપરામાં સામાજિકતા એ સૌથી અગત્યનું પરિબળ છે. લોકો માત્ર મેળા સમયે જ એકઠાં નથી થતાં કથા સત્સંગ, નાટકો, ભવાઈ આ તમામ સમયે લોકો હળીમળીને જીવનને પૂરજોશમાં માણે છે. અરે આપણાં તહેવારોમાં પણ હળવામળવાનું એક અનોખું સ્થાન છે. એટલે મેળો એ તો પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા છે. તમે નહીં જોયું હોય  કે ભારતીય સિને જગતમાં પણ અનેક મેળાઓનાં દ્રશ્યો દર્શાવવામાં આવે છે તો કોઈ વખત બે ભાઈ તો કોઈ વખત મેળામાં પરિવારના લોકો એકબીજાથી વિખૂટા પડી જતાં અને ખોવાઈ જતાં પણ જોયા છે.  કુંભમેળામાં તો વર્ષોથી લાખો ભાવિકો ઉમટી પડે છે. આમ મેળો એ ભારતીય પરંપરાનું અભિન્ન અંગ છે. હવે વાત કરીએ સાંપ્રત સમયની તો છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરને કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગને ધ્યાનમાં લઈને મેળા યોજાયા જ ન હતાં. પરંતુ આ વર્ષે સરકાર મહેરબાન થઈ એટલે મેળાનો પ્રારંભ થયો એમ કહીએ તો અજુગતું ન કહેવાય.!!
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલ આંખની હોસ્પિટલનાં વિશાળ મેદાનમાં મેળાનો પ્રારંભ થયો. આમ તો સ્વાતંત્ર્ય દિવસની સાંજે સાડા સાત આસપાસ માનવતાના ખરાં અર્થમાં પૂજારી – માનવમંદિર સાવરકુંડલાનાં સંત શ્રી પ. પૂ. ભક્તિરામબાપુ, અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, સુરેશભાઈ પાનસુરીયા, શરદભાઈ પંડયા, રાજુભાઈ દોશી, દીપકભાઈ માલાણી, કેશુભાઈ વાઘેલા, પ્રવિણભાઈ સાવજ, પરાગભાઈ ત્રિવેદી, લલીતભાઈ મારૂ, અશોકભાઈ ખુમાણ સમેત અન્ય રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુએ રિબીન કાપી અને સાંસદશ્રીએ શ્રીફળ વધેરી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રારંભમાં તો આ તમામ અતિથિ મહેમાનોએ જાયન્ટ વ્હીલ (ફજેત ફાળકો), ડ્રેગન ટ્રેન, બ્રેક અપ ડાન્સ વ્હીલની મોજ આમ જનતા સાથે માણી લોકોને પણ આ બે વર્ષ બાદ યોજાયેલાં મેળાનો લાભ લેવા સૂચન કરેલ. જો કે ખાસ કરીને આ મેળા સંદર્ભે જો કોઈ સૌથી વધુ ખુશ હોય તો નાના ભૂલકાઓ, અને યુવાહૈયાઓ જેમાં ભારે જોમ અને જુસ્સો જોવા મળતો હતો. આ મેળામાં અનેક વિવિધ પ્રકારની રાઇડનો લાભ લેવા જેવો ખરો. જો કે આ મેળાના આયોજન કરવામાં જેનો સૌથી પ્રમુખ યોગદાન છે એ સાવરકુંડલા શહેરના શિવશક્તિ યુવા ગ્રુપના પ્રમુખ અને પૂર્વ ચેરમેન નગરપાલિકા સાવરકુંડલા પ્રવિણભાઈ કોટીલાની અથાગ મહેનતને કેમ ભૂલી શકાય? આ સાથે તેની સાથે ખભે ખભા મિલાવીને આ મેળાને સફળ બનાવવા માટે મહેનત કરતાં મુકેશ રબારી, વિજય આહીર, મેરાભાઈ મેર, હર્ષદ ગેડિયા અને જયદીપ કોટીલા દ્વારા આ મેળાના આયોજનમાં સંમિલિત છે. આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, રમકડાંનાં સ્ટોલ વગેરે પરિવાર સાથે મુલાકાત લેવા જેવા ખરાં. એ હાલો… મેળે… મેળે મેળે ચકરડી હેલે ચડી..!! રંગમાં ભંગ ન પડે અને વરસાદ – મેઘરાજા કૃપા કરીને થોડા દિવસ વિરામ લે તો લોકો પણ મનભરીને મેળો માણી શકે.. આમ તો માત્ર સાવરકુંડલા શહેર જ નહીં પરંતુ આસપાસના અન્ય વિસ્તારોમાંથી પણ મેળાની મોજ માણવા માનવ પ્રવાહ ઉમટી પડશે. મેળામાં જ થોડાં પર્યાવરણની જાગૃતિ અંગે વધુ ધ્યાન આપવામાં આવે તે પણ ઈચ્છનીય છે. લોકોએ પણ આરોગ્ય વિભાગની ગાઇડલાઇનનું પાલન કરીને મેળો માણવો જોઈએ.. ધ્વનિપ્રદુષણ નિયંત્રિત રહે, આસપાસના રહીશો કે જેમાં નાના બાળકો, પ્રસુતાઓ, વૃધ્ધજનો, બિમાર વ્યક્તિઓ, મુંગા અબોલ પશુઓ વગેરેનું પણ ધ્યાન રાખી મેળાની મોજ માણવા શહેરનાં  બુધ્ધીજીવીઓની અપીલ પણ છે.

20220815_195348.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *