રાજકોટ
રાજકોટમાં સિટી બસે ત્રિણોકબાગ પાસે રિક્ષાને ટક્કર મારી હતી. આથી રિક્ષામાં બેઠેલી સગર્ભાને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રિક્ષાચાલકે બસચાલકને પ્લાસ્ટિકની પાઇપ ફટકારી હતી અને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક સ્થાનિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાના ગર્ભમાં રહેલું બાળખ મરી જાત તો જવાબદારી કોણ લેત? સિટી બસની ટક્કરથી રિક્ષામાં નુકસાન પહોંચ્યું છે. રિક્ષાનો આગળનો કાચ ફૂટી ગયો છે અને સાઈડના ભાગમાં નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે, સગર્ભાને ઇજા પહોંચતા જ તે રોડ પર બેસી ગઈ છે. હવે આની કોણ સારવાર કરાવશે. સગર્ભાને બંને પગે ઇજા પહોંચી છે. મનપાની સિટીબસના ડ્રાઈવરો જેમ ફાવે તેમ બસો ચલાવે છે. થોડા દિવસ પહેલા માલવિયા ચોકમાં એક વૃદ્ધને માર્યા હતા. આ ડ્રાઇવરોનું કરવાનું શું? પાછા ડ્રાઇવરો એમ કહે કે અમારૂ કોઇ કંઇ કરી નહીં લે. આમાં કરવાનું શું? ગરીબ લોકો મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. આ સગર્ભાનો પતિ મજૂરી કરીને ઘર ચલાવે છે. સામાન્ય લોકોની જવાબદારી કોણ લેશે. સામાન્ય લોકોનું આમાં કંઇ શાસન છે જ નહીં. સરકાર મોટી મોટી વાતો કરી જાય છે, પરંતુ આ મહિલાના પેટમાં બાળક છે અને કાલ સવારે એનું બાળક મરી જાય તો તેની જવાબદારી કોણ લેશે? કોંગ્રેસવાળો, ભાજપવાળો કે આમ આદમી પાર્ટીવાળો પણ નહીં લે. અમારી સુરક્ષાની જવાબદારી કોણ લેશે? જાેકે આ અંગે હાલ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલક અને બસચાલક વચ્ચે સમાધાન થઇ જતા બંને તરફથી કોઇ ફરિયાદ મળી નથી. પોલીસ ફરિયાદ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.