થરા
કાંકરેજ તાલુકાના સુદ્રોસણ દૂધ મંડળીના ચેરમેન સપ્તાહ અગાઉ ખેતીના કામ માટે પોતાના પુત્રના બેંક એકાઉન્ટમાંથી રૂ.૫ લાખ ઉપાડી એપીએમસી જતા હતા. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ બાઇકના હૂકમાં ભરાવેલી થેલીની તફડંચી કરી હતી. આ ગૂનાનો ભેદ થરા પોલીસે ઉકેલી પાલનપુર બાવરીડેરાના ત્રણ શખ્સોને ઝડપી લઇ રોકડ રકમ રિકવર કરી હતી. કાંકરેજની સુદ્રોસણ ગામની બનાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વરૂભાઇ ભેમાભાઇ ભરવાડ તેમના કુટુંબીભાઇ ડેરીના મંત્રી જાેધાભાઇ ભોજાભાઇ ભરવાડ બાઇક ઉપર થરા આવ્યા હતા.મંત્રી જાેધાભાઇને તેમણે દૂધમંડળીના પશુપાલકોનો પગાર ઉપાડવા માટે માર્કેટયાર્ડ મોકલ્યા હતા. વરૂભાઇ પોતાના પુત્ર બબાભાઇના બેંક એકાઉન્ટમાંથી ઘરના ખેતીકામ માટે રૂ.૫ લાખ ઉપાડવા માટે થરા બેંક ઓફ બરોડામાં ગયા હતા. જ્યાંથી વરૂભાઇએ પૈસા થેલીમાં મુકી બાઇકના હૂકમાં ભરાવી તેમના ભાઇને લેવા માટે એપીએમસી જઇ રહ્યા હતા. ત્યારે માર્કેટયાર્ડના નાળા પાસે ટ્રાફિકજામ હોઇ ઉભા રહ્યા હતા. આ સમયે બેંકથી બાઇક ઉપર પીછો કરીને આવેલા અજાણ્યા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે રોકડ રકમ ભરેલી થેલી લઇ ફરાર થઇ ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ચોક્કસ બાતમીના આધારે આ ગૂનાનો ભેદ ઉકેલી પાલનપુર બાવરીડેરાના ૩ શખ્સોને ઝડપ્યા છે. જેમની પાસેથી રૂ.૪,૮૧,૫૦૦ની રકમ રિકવર કરી છે. ત્રણેયને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવાશે. થરામાં પીએસઆઈ પી. એન. જાડેજાએ પ્રથમ વખત ગૂનાનો ભેદ ઉકેલ્યો છે. તેમની ફરજ અગાઉ નેકારિયા ગામના ખેડૂત હેમાજી દેવણજી પાસેથી રૂ. ૫.૫૨ લાખની ૧૫ વર્ષનો કિશોર ચિલઝડપ કરી ગયો હતો. રાણકપુરના સબળાજી કાનાજી પાસેથી ચીલઝડપ થઇ હતી.ટોટાણાના મંત્રી પાસેથી રોકડની તફડંચી થઇ હતી. આ ઉપરાંત વાવમાં માર્ચ માસમાં રૂ.૫ લાખની ચિલઝડપ થઇ હતી આ મોટી રકમની ચિલઝડપનો હજુ સુધી ભેદ વણ ઉકેલ્યો છે.
