સુરત
સુરતના રાંદેર ખાતે કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સેના દ્બારા પુતળા દહન કરી, તસવીર પર બૂટ ફટકારી વિરોધ કરવામાં આવ્યો હતો. શિવરાજ પાટીલે શ્રીમદ ભગવત ગીતા પર આપેલા વિવાદિત નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શ્રીમદ ભગવત ગીતા અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતમાં તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાંદેર ખાતે રાષ્ટ્રીય સેના દ્બારા ચંપલનો હાર પહેરાવ્યા બાદ પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી તેઓના વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો. રાષ્ટ્ર સેનાના પ્રમુખ વિનોદ જૈને જણાવ્યું કે શિવરાજ પાટીલ દ્વારા કરવામાં આવેલું નિવેદન ખૂબ જ નિંદનીય છે. જે હાથને આપણે જે મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ તે હિંસક છે અને અન્ય ધર્મના લોકોને નુકસાન પહોંચાડે તેવી માનસિકતા સાખી લેવાશે નહીં. આપણી ભગવત ગીતામાં વાસુદેવો કુટુંબકમ તરીકેની ભાવના છે અને દરેક જીવ માત્રને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. આવી જેહાદી માનસિકતાની વાત સાથે ભાગવત ગીતાને સરખાવવાની વાત તદ્દન વાહિયાત છે. શિવરાજ પાટીલે માફી માગવી જાેઈએ. સમગ્ર હિન્દુ ધર્મની અને ભારતીય નાગરિકોની લાગણી દુભાય છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ એક નિવેદનને કારણે વિવાદોમાં છે. દિલ્હીમાં એક પુસ્તકના વિમોચનમાં સામેલ પાટીલે જણાવ્યું હતું કે જેહાદ માત્ર કુરાન નહીં, પણ ગીતામાં પણ છે. જીસસમાં પણ જેહાદ છે. જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ સમજતું નથી, ત્યારે શક્તિનો ઉપયોગ કરવો જાેઈએ. મહાભારતમાં ગીતાનો એક હિસ્સો છે, એમાં પણ જેહાદ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદના પાઠ ભણાવ્યા હતા. નિવેદનમાં શિવરાજે એમ પણ કહ્યું હતું કે ખ્રિસ્ત્રીઓએ પણ કહ્યું છે કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે, તેથી બધું જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. મોહસિના કિડવાઈના પુસ્તકના વિમોચન દરમિયાન પાટીલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કિડવાઈના પુસ્તકમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ પ્રકારના નિવેદનથી ફરી એક વખત ધર્મને લઈને રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપ અને કોંગ્રેસની ધર્મવિરોધી જ વિચારધારા રહી છે. તેમની આ વિચારધારા ક્યાંક ને ક્યાંક બહાર આવી રહી છે અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે. ક્યારેક આપના નેતા અને ક્યારેક કોંગ્રેસના નેતાઓ આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરે છે. રાજકીય નેતાઓએ કોઈ ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવું જાેઈએ. જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે એટલે આવાં નિવેદનો આપવાનું શરૂ થઈ જાય છે. શિવરાજ પાટીલને હું વડીલ વ્યક્તિ માનું છું, તેઓ આવું નિવેદન આપે એ અતિનિંદનીય બાબત છે. આવા સ્ટેટમેન્ટ કેમ અપાય છે એ બાબત તપાસનો વિષય છે.