સુરત
સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે વરદાન જ્વેલર્સની દુકાનમાં બે લૂંટારૂઓએ માલિક પર ફાયરિંગ કરી દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકનો નંબર મેળવી ગણતરીના કલાકોમાં બે લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. બે આરોપી પૈકી એક સગીર છે. જ્યારે ફાયરિંગ કરનાર સૂત્રધાર આમીર હજુ ફરાર છે. જ્વેલર્સના માલિકે ઝપાઝપી કરતા લૂંટારૂઓએ ખાલી હાથે ત્યાંથી ભાગવાની નોબત આવી હતી. દુકાનમાંથી પોલીસને એક ખાલી અને બે ભરેલા કાર્ટીઝ સાથે દેશી તમંચો તેમજ દાગીના ભરવા માટેનો થેલો મ?થળી આવતા કબજે લેવાયો હતો. પકડાયેલામાં અહેમદ રઝા મોહંમદ સહિન અંસારી(૨૧)(રહે, સીદ્દીકનગર, ભીડીબજાર, સચીન, મૂળ રહે, બિહાર) તથા ૧૫ વર્ષનો સગીર છે. પોલીસે જણાવ્યું કે આરોપી અહેમદ રઝા અંસારીએ લૂંટમાં મદદગારી કરી હતી. અહેમદ રઝાએ તેના એક મિત્રની બાઇક માંગીને લાવ્યો હતો અને તે બાઇક આમીરને લૂંટ કરવા આપી હતી. આમીર ૧૫ વર્ષના સગીરને લઈ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવ્યો હતો. દુકાનમાંથી દાગીના સગીર થેલામાં મુક્વા લાગ્યો હતો. પાંડેસરા પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. આમીર અગાઉ સચીન જીઆઇડીસી પોલીસમાં લૂંટમાં પકડાયો હતો. જ્વેલરને રિવોલ્વરથી ધમકાવતા તેણે સામેથી શોકેસમાં મુકેલા બગસરાના દાગીના આપ્યા હતા. પછી લૂટારૂઓ સામેના શોકેસમાંથી સોનાના દાગીના કાઢવા જતા માલિકે પ્રતિકાર કર્યો હતો. માલિકે ઝપાઝપી કરતા આમીરે ફાયરિંગ કર્યુ હતું. જાે કે મીસ ફાયરિંગ કરતા માલિકનો જીવ બચ્યો હતો.
