સુરત
સુરતના વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતા ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી (ઉં.વ.૫૮) ૧૩મી જૂને પોતાનું મોપેડ (જીજે-૨૬-એડી-૦૪૨૩) લઈને પોતાની દીકરી સ્નેહલતાબેન ચૌધરી (ઉં.વ.૨૮) સાથે મઢી કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી બોરવેલની ટ્રક (જીજે-૦૩-સીએલ-૮૩૪૧)ના ચાલકે મોપેડને અડફેટમાં લેતાં બંને ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારણજનાર સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરી રહ્યાં હતાં. અકસ્માતમાં અકાળે મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી. ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી છે.વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યાં હતાં. ત્યારે સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લેતાં સ્નેહલતાબેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ જૂનના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ટ્રકની અડફેટે પિતા ૧૦ ફૂટ જેટલા ફંગોળાયા હતા, જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે ૨૫ ફૂટ જેટલી ઢસડાઈ હતી.
