સુરત
સુરતના દિવાલ પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસે બિલ્ડીંગના માલિક અને તેના પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. ૨૦ દિવસ બાદ આ ઘટનામાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ નજીક જરીવાલા કમ્પાઉન્ડમાં વર્ષો જૂની ગ્રાઉન્ડ ફ્લોર સાથેની બે માળની બિલ્ડીંગમાં બીજા માળે ડિમોલીશનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અગાસી પરની દિવાલ તૂટી પડી હતી. કાટમાળ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડતા નીચે ઉભેલા રોહિત રાજુભાઈ રાઠોડ, શેખ મહમદ સમીર અને તાહિર મહમદ અલી દબાઈ ગયા હતા. જે પૈકી રોહિત અને સમીરના કરુણ મોત થયા હતા. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અંદાજીત ૪૦ જેટલી બાઈક અને ૩ કારને પણ નુકશાન થયું હતું. મહિધરપુરા પોલીસની તપાસમાં જરીવાલા કમ્પાઉન્ડના માલિકોએ સલામતી અંગે કોઈ દરકાર લીધી ના હતી. બ્રેકર મશીનના વ્રાઈબ્રેશનના કારણે દિવાલ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેથી પોલીસે બિલ્ડીંગના માલિક ભાનુભાઈ ગોવિંદભાઈ ધાનાણી તથા તેના પુત્ર સંજય સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો. ૨૦ દિવસથી ભૂગર્ભમાં ઉતરેલા પિતા પુત્રએ કોર્ટમાંથી આગોતરા જમીન લઇ સોમવારે પોલીસમાં હાજર થયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


