સુરત
સુરતમાં લાલગેટ વિસ્તારમાં કાજીપુરા ખાતે મકાનમાંથી મૃત હાલતમાં મળી આવેલા પાલિકાના સફાઈ કર્મચારીને ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવતા લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક નોકરી પરથી ઘરે આવ્યા બાદ બપોરનું ભોજન લઈ સુઈ ગયા બાદ ૩ કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. મૃતકનો નાનો ભાઈએ જણાવ્યું હતું કે, ભાઈ ભાવેશ પાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. પરિવારમાં પત્ની એકનો એક પુત્ર અને એક પરિણીત દીકરી છે. ભાવેશ કામ પરથી ઘરે આવ્યા બાદ પુત્ર અને પત્ની સાથે બપોરનું ભોજન કરી સૂઈ ગયો હતો. ત્યારબાદ પુત્ર એક કલાક બાદ ફરી કામે ચાલી ગયો હતો. ભાભી મીનાક્ષીબેને કહ્યું તમારા ભાઈ જાગતા નથી. હું દોડીને ઉપર ગયો અને ભાઈને બેભાન જાેઈ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી પરંતુ ૧૦ મિનિટ બાદ પણ ૧૦૮ ન આવતા અમે ભાઈને રીક્ષામાં ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ભાવેશને મૃત જાહેર કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે લાલગેટ પોલીસની તપાસમાં ભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કોઈ દોરી વડે ભાઇને ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ કહી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે.