સુરત
સુરતમાં બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને કારચાલકે અડફેટે લેતાં પાલિકા અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈ ઘવાતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના ૬૦ કલાક બાદ પણ પોલીસ કારચાલકને પકડી શકી નથી. બનેલી આ ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો. સીસીટીવીમાં કારનો કલર અને સંજીવકુમાર ઓડિટોરિયમ તરફ જતી કાર દેખાય છે. પાંડેસરા માતા-દીકરીના રેપ વિથ મર્ડર કેસને ૫૬ સેકન્ડના સીસીટીવીમાં આરોપીની કારની ઓળખ કરી આરોપીને ફાંસીની સજા અપાવનાર સુરત પોલીસ મારા દીકરાને ભરજવાનીમાં મોતની ચાદર ઓઢાડનારને સજા અપાવે એ જ એકમાત્ર માગણી કરી રહ્યા છે. પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતા ૨૮ વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. ભાવેશના પિતા પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે, જ્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. પ્રમોદભાઈ જરીવાલા (મૃતક ભાવેશના પિતા)એ જણાવ્યું હતું કે ૨૮ વર્ષના પુત્રને હૃદય પર પથ્થર મૂકી કાંધ આપી છે. તેના લગ્નનાં સ્વપ્ન જાેતાં હતાં, એ હવે એક સ્વપ્ન જ બની ગયું, ખબર નહીં વિધાતા આટલો બધો નિષ્ઠુર કઈ રીતે બની શકે. હજી હૃદય માનવા તૈયાર નથી કે ભાવેશ પરિવારને જ નહીં, દુનિયા છોડી ગયો છે. સવાર અને સાંજ પડે એટલે મોઢામાંથી એકવાર તો ભાવેશ આવ્યો કે નહીં એ નીકળી જ જાય છે. પરિવાર તેમનાં જ આંસુઓમાં ડૂબી રહ્યો છે. છોકરો તો અમે ગુમાવ્યો છે, કારચાલકનું ક્યાં કંઈ ગયું છે, પણ અમે તેને સજા અપાવીશું, ન્યાય માટે કોર્ટનાં દ્વાર ખખડાવીશું. થોડા દિવસ પહેલાં કિમથી આવેલા પિતરાઈ ભાઈ સાથે ઘરકામનો થાક ઉતારવા ભાવેશ બાઇક લઈ ફરવા નીકળ્યો હતો. અમને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી સફર રહેશે. પાલ અન્નપૂર્ણ મંદિર નજીક વળાંકમાં જ એક બેફામ દોડતી કારે બાઇકને અડફેટે લેતાં પાછળ બેસેલો ભાવેશ હવામાં ફગોળાઈ ગયો હતો. બાઇકચાલક અક્ષય જમીન પર પછડાયો હતો અને ભાવેશનું ઘટનાસ્થળે જ માથાની ઇજાને લઈ મોત નીપજ્યું હતું, જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઇજાગ્રસ્ત બાઇકચાલક અક્ષયના પોલીસે નિવેદન પણ લઈ ગઈ છે. ઘટનાને ૬૦ કલાકથી વધુનો સમય વીતી ગયો છે. સીસીટીવીમાં બાઇકને અડફેટે લેતી કાર દેખાય છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ ભાગતી પણ દેખાય છે. તમામ પ્રકારના પુરાવા પોલીસને આપ્યા છે છતાં પોલીસ એમ જ કહે છે તપાસ ચાલી રહી છે. કોઈ કહેશે કે ૬૦ કલાકથી કારચાલક પકડાતો નથી કે પકડવામાં આવતો નથી. ભાવેશ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જે દીકરો રોજ બે હાથ જાેડી પગે લાગી બહાર નીકળતો તેને અમે બે હાથ જાેડી પાર્થના કરવા મજબૂર બન્યા છે. અમને મળેલાં આઘાત અને દર્દની દવા માત્ર ન્યાય છે. પોલીસ કારચાલકને પકડે અને કડકમાં કડક સજા અપાવે કે એક ઉદાહરણ બને અને બીજા કોઈ માતા-પિતાનો વૃધાવસ્થાની લાકડીને તૂટતા બચાવી શકાય.


