સુરત
સુરત રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લૂ સિટી બસે રાહદારીને કચડી નાખતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ લોકોનાં ટોળાં ભેગાં થઈ જતાં બસચાલક ભાગી ગયો હતો. લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતી વખતે બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાય ગયો હોવાના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ બસ પોલીસ દોડી આવી હતી. પરિવારે જણાવ્યું હતું કે કિશન પટેલ રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહે છે. ૧૦ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. કિશન પટેલ (ઉં.વ. ૨૫)ની પત્નીને ૯ માસનો ગર્ભ છે. નોકરી પર જવા નીકળ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો.સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય એમ એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના રિંગ રોડ માર્કેટ ખાતે રસ્તા પર બસે અડફેટે લઈને કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.
