સુરત
કર્ણાટકના ઉડ્ડપી વિસ્તારમાં હાલમાં જ સરકારી કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા હિજાબ પહેરીને આવતાં ભારે વિવાદ ઉભો થયો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હિજાબને યુનિફોર્મ કોડ વિરૂદ્ધ બતાવવામાં આવતાં આ વિવાદ ધીરે – ધીરે અન્ય શહેરોમાં પણ પ્રસરી ગયો છે. એક તરફ જ્યાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબના સમર્થનમાં છે ત્યારે બીજી તરફ કેટલાક હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા યુવકો દ્વારા પણ ભગવા શાલ પહેરીને હિજાબનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ વિવાદ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે અને હજી સુધી આ મુદ્દે કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી ત્યારે સુરત ખાતે પણ એઆઈએમઆઈએમ નામક પાર્ટી શહેરમાં આજે બપોરે ત્રણ કલાકે હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, પોલીસ દ્વારા રેલીને પરવાનગી ન આપવાની સાથે સંસ્થાના પ્રમુખ વસીમ કુરૈશી અને મહિલા અધ્યક્ષ નઝમા ખાનની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.કર્ણાટકથી શરૂ થયેલા હિજાબનો વિવાદ હવે સુરત પહોંચી ચુક્યો છે. સુરત ખાતે એક સંસ્થા દ્વારા હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે, પોલીસ દ્વારા આ સંવેદનશીલ મુદ્દે રેલી યોજાય તે પૂર્વે જ રેલીના આયોજકોને નજર કેદ કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચૌક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ આવે તેવી આશંકા અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા આઈપી મિશન સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ રેલી કાઢનાર કેટલાકની પોલીસે અટકાયત પણ કરી હતી.
