સુરત
ગત ૨૮ જાન્યુઆરીના રોજ પલસાણાના વરેલી ખાતે સગા ભત્રીજાએ સાફ સફાઈ જેવા સામાન્ય ઘર કંકાશના ઝઘડામાં પોતાની ૪૧ વર્ષીય સગી કાકી સંગીતા લોખંડેની કરપીણ હત્યા કરી નાખી હતી ,જાેકે પોલીસ દ્વારા ભત્રીજાની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ સંગીતા લોખંડેની હત્યા બાદ તેમના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા. માતાની હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લીધી હતી. બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી હતી. જેથી જિલ્લા પોલીસ વડાએ નિરાધાર બનેલા બાળકોની ચિંતા કરી કામરેજ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા વાત્સલ્ય ધામને સમગ્ર બાબતથી વાકેફ કરાવ્યા હતા. વાત્સલ્ય ધામ સંસ્થા કામરેજ ખાતે વર્ષોથી કાર્યરત છે અને અહિયાં ૭૦૦થી વધુ ગરીબ ,નિરાધાર બાળકો આશરો લઇ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતે વાત્સલ્ય ધામને કરતા તરત જ ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી રહેવા, જમવા ઉપરાંત તમામ અભ્યાસની જવાબદારી સ્વીકારી લીધી હતી. હરહંમેશ લોકસેવાને મહત્વ આપતા અને હર હમેશ લોક સેવા માટે તત્પર રેહતા જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ કડોદરા પોલીસ મથકના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલ દ્વારા ચારેય બાળકો તેમજ વયોવૃદ્ધ દાદીને વાત્સલ્ય ધામ ખાતે પહોંચાડીને એક ઉત્કૃષ્ટ માનવીય અભિગમ દાખવ્યું છે.સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા પલસાણાના વરેલી ખાતે વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બનેલા ૪ બાળકોના આધાર બન્યા છે. ઉષા રાડાએ ચારેય બાળકો પગભર થાય ત્યાં સુધી રહેવા, જમવા તેમજ અભ્યાસની વાત્સલ્ય ધામ ખાતે વ્યવસ્થા કરી છે.
