સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી એક શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના સલીમ ઘોરી સહીતનાઓએ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને લાશનો કબ્જાે લઈ તપાસ હાથ ધરી હતી. વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હોવાનું હાલ પ્રાથમિક તારણ બહાર આવી રહ્યુ છે. મૃતક વ્યક્તિ દૂધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરિવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
