સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના ભારતપરા વિસ્તારમાં રહેતાં અને ઠંડા પીણા અને સોડાનો વ્યવસાય કરતા દિલીપ ચતુરભાઈ શેખ જેઓ પોતાની રીક્ષા લઈને સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર પસાર થઈ રહ્યા હતા. આ સમયે રિવરફ્રન્ટ ઉપર દારૂના નશા ધુત બનેલા શખ્સે રીક્ષા ઉપર લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી તોડફોડ કરી હતી. ત્યારે ધોળા દિવસે જાહેરમાં શખ્સે રીક્ષાનો કાચ તોડી તોડફોડ કરતા નાના વેપાર ધંધા કરતા વેપારીઓમાં ભય ફેલાયો છે. આ ઘટનાની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે પોલીસે આ દારૂડીયાને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી હોય તેવુ હાલ લાગી રહ્યુ છે. દિન-દહાડે ચોરી, લૂંટ અને મારામારીની ઘટના સહિત હુમલાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ધોળા દિવસે એક શખ્સે દારૂના નશામાં રિવરફ્રન્ટ ઉપર પસાર થઈ રહેલી ઠંડા પીણાની રીક્ષા ઉપર લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી રીક્ષાનો કાચ તોડી નાખ્યો હતો.આ ઘટનાને લઈ દારૂના નશામાં દંગલ મચાવનારા શખ્સ સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
