સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા, થાનગઢ નગરપાલિકા અને ચોટીલા નગરપાલિકાની સ્ટ્રીટલાઈટનાં ૨૦૨ કનેક્શનના વીજબીલની રૂ. ૩૫.૬૨ કરોડની રકમ બાકી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ત્રણેય નગરપાલિકાઓને નોટીસ ફટકારીને બાકી રકમ સાત દિવસોમાં ભરવામાં ન આવે તો સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાંખવાની ચીમકી આપવામાં આવી છે. જાે કે સાત દિવસની મુદત પુરી થઈ જવા છતાં નગરપાલિકાઓ દ્વારા રકમ ભરવામાં આવી નથી કે કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો નથી. તેથી શહેરી વિસ્તારોમાં ગમે ત્યારે અંધારા પથરાઈ જવાની શક્યતાઓ નકારી શકાય નહિ. આ અંગે લોકોનું કહેવુ છે કે, નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોને સરકાર તરફથી મસ મોટી ગ્રાન્ટો આપવામાં આવે છે. ઉપરાંત પાલિકા-પંચાયતો પાસે કરવેરાની તગડી આવક થાય છે. આવકના તગડા સ્ત્રોત હોવા છતાં સ્ટ્રીટલાઈટના બીલ ભરવામાં ઠાગા ઠૈયા કેમ થાય છે? હંમેશા સ્ટ્રીટ લાઈટના કનેક્શન કપાઈ જવાની દહેશત સર્જાય ત્યારે જ તંત્ર વાહકો દ્વારા બાકી બિલની થોડી રકમ કેમ ભરવામાં આવે છે? શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના કનેક્શન કપાઈ જશે અને અંધારા પથરાઈ જશે તો આમ જનતાને જ પરેશાની વેઠવી પડશે.સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો પાસે આવકના તગડા સ્ત્રોત હોવા છતાં સ્ટ્રીટલાઈટોના બિલ ભરવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી વીજ કંપનીએ કનેક્શન કાપી નાખવાની નોટીસ ફટકારી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા જિલ્લાની સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા, થાનગઢ અને ચોટીલા પાલિકાઓના રૂ. ૩૫.૬૨ કરોડનાં બાકી વીજ બીલને લઇ નોટીસો ફટકારી બીલ ભરવા તાકિદ કરાઈ છે. તેમજ જાે વીજ બીલ તત્કાલ ભરપાઈ કરવામાં નહિ આવે તો સ્ટ્રીટલાઈટના કનેક્શન કાપી નાંખવાની ચીમકી પણ આપવામાં આવી છે.


