સુરેન્દ્રનગર
સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન સપ્તાહના અંતિમ દિવસે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી તથા ધારાસભ્ય ધનજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ અને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશના ગામડાઓ સમૃદ્ધ નહીં થાય, ત્યાં સુધી શહેર અને દેશ પણ સમૃદ્ધ ન થઈ શકે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓ અને ગરીબોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી તેના સીધા લાભ ગામમાં વસતા ગરીબો સુધી પહોંચાડી તેમના જીવન ધોરણને ઊંચું લાવવામાં આવી રહ્યું છે. સરકારના આ જ સુશાસનની અલગ અલગ વ્યવસ્થાઓ થકી વિવિધ વિભાગોની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ તકે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોષી તેમજ જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન ઉદુભા ઝાલાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે જિલ્લામાં કુલ ૬૩૩.૧૬ લાખના ૩૯૯ જેટલા વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ થયેલા ગામોના સરપંચોને પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને આવાસ સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અધિક નિવાસી કલેકટર એન.ડી. ઝાલા, પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નસીમબેન મોદન અને આઈ.વી. દેસાઈ, વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.