Gujarat

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ જામનગર જિલ્લાના ૨૬૪ ખેડૂત લાભાર્થીઓને રૂ.૧૫ લાખથી વધુની સ્માર્ટફોન ખરીદી સહાય ચૂકવાઈ

 

ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં જોડીયા તાલુકાના ખેડુતશ્રી રાજેશભાઈ ભુતને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્માર્ટફોન યોજનાની સહાય અપાઈ

જામનગર તા.૨૩ ફેબ્રુઆરી,રાજ્યમાં ખેડુતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર, મંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતીમાં નર્મદા હોલ, ગાંધીનગર ખાતે યોજાયો હતો.જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ કલેકટર કચેરીના સભાખંડ તથા ખેડુત તાલીમ કેંદ્ર ખાતે સ્માર્ટફોન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્માર્ટફોન ખરીદ કરેલ હોય તેવા ૧૧૦ જેટલા ખેડુતો બન્ને સ્થળે હાજર રહેલ હતા જ્યાં જિલ્લા કલેક્ટર શ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી.એમ.આગઠ તથા તેમની ટીમ દ્વારા ગ્રામસેવકો તથા વિસ્તરણ અધિકારી સાથે બન્ને સ્થળ પર ખેડુતોને હાજર રાખી રાજ્ય કક્ષાએથી પ્રસારિત થયેલ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના ૨૬૪ ખેડુત લાભાર્થીઓને સ્માર્ટફોન યોજના સહાયનો ૧૫.૦૮ લાખનો લાભ આપવામાં આવેલ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તથા કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્માર્ટફોન યોજનાના લાભો ખેડુતોને આંગળીના ટેરવે મળતા થતા ખેડુતો ખેતીલક્ષી માહિતી મોબાઈલ દ્વારા સરળતાથી મેળવી શકશે અને તેનો લાભ પોતાની ખેતીમાં કરતા થશે. આ યોજના થકી જેનો લાભ વ્યાપક બનશે અને સરકારની યોજના થકી ખેડુતો તેની ખેતીમાં પ્રગતી કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત  કર્યો હતો. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં જોડીયા તાલુકાના લખતર ગામના ખેડુતશ્રી રાજેશભાઈ રામજીભાઈ ભુત ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.જેઓને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્માર્ટફોન યોજનાની સહાય આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, જી.સ્વાનની ટીમ, તથા ખેતીવાડી, આત્માની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *